વર્ષ ૨૦૩૨ની ઓલિમ્પિક રમતો બ્રિસબેનમાં યોજાશે
બ્રિસબેન: ટોક્યો ઓલિમ્પકનુ કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચુકયુ છે ત્યારે ૨૦૩૨ની ઓલિમ્પિક રમતો ઓસ્ટ્રેલિયાના બ્રિસબેન શહેરમાં રમાશે તેવી જાહેરાત આજે કરવામાં આવી છે.
આમ તો બ્રિસબેનને યજમાની મળશે તેવુ પહેલેથી જ મનાતુ હતુ પણ આજે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.આ પહેલા ઓસ્ટ્રેલિયા ૧૯૫૬માં મેલબોર્ન અને ૨૦૦૦માં સિડનીમાં ઓલિમ્પિકનુ આયોજન કરી ચુકયુ છે.
ઓલિમ્પિક માટે શહેરોની પસંદગી બહુ પહેલાથી થઈ જતી હોય છે. જેમ કે ૨૦૨૪ની ઓલિમ્પિક પેરિસ અને ૨૦૨૮ની ઓલિમ્પિક લોસ એન્જેલિસમાં રમાવાની છે. હવે ઓલિમ્પિક કમિટી દ્વારા યજમાની માટે નવી બિડિંગ સિસ્ટમ શરૂ કરાઈ છે.
જેમાં પહેલુ વિજેતા ઓસ્ટ્રેલિયા બન્યુ છે. આ સિસ્ટમમાં ઓલિમ્પિક કમિટી કેટલાક મજબૂત દેશોને યજમાની માટે પસંદ કરે છે અને એ પછી વોટિંગ થકી યજમાન દેશની પસંદગી કરાય છે.
ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસને કહ્યુ હતુ કે, અમારી સરકારને ગર્વ છે કે, બ્રિસબેન અને ક્વીન્સલેન્ડમાં અમને આ રમતની યજમાની કરવાનો મોકો મળ્યો છે. અમે શાનદાર રીતે આયોજન કરીશું. અમારી પાસે તેનો અનુભવ પણ છે.