પેગાસસનો રાજનૈતિક ફાયદો માટે ઉપયોગ કરે છે : રાહુલ

નવીદિલ્હી: પેગાસસ જાસૂસી કાંડ મામલે સરકારને વિપક્ષ દ્વારા ઘેરવામાં આવી હતી. આ મામલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કહ્યું, ‘મારો ફોન સ્પષ્ટ રીતે ટેપ કરાયો હતો, હું સંભવિત લક્ષ્ય નથી.’ રાહુલે આરોપ લગાવ્યો હતો કે તેના બધા ફોન્સ ટેપ કરવામાં આવી રહ્યા છે અને તેના સિક્યુરિટી મેનને પણ મારા વિશે દરેક માહિતી આપવાનું કહેવામાં આવ્યું હતું. પેગાસસ મામલે પત્રકારો સાથે વાત કરતા રાહુલે કહ્યું કે, ‘માત્ર હું જ સંભવિત લક્ષ્ય નથી, મારો ફોન ટેપ કરાયો હતો. માત્ર આ એક ફોન જ નહીં, મારા બધા ફોન્સ ટેપ કરાયા હતા”
ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલના સ્પાયવેર પેગાસસની લીક થયેલી સૂચિમાં ભારતના મોટા પત્રકારો,કેબિનેટ મંત્રીઓ અને એક જજ સહિત અનેક નામ ખૂલ્યા હતા. આ યાદીમાં રાહુલ ગાંધીનું નામ સામેલ પણ થયું છે. રાહુલે એમ પણ દાવો કર્યો હતો કે તેમના સુરક્ષા કર્મચારીઓએ કહ્યું હતું કે તેમની વાતચીત પર નજર રાખવામાં આવી રહી છે.
રાહુલ ગાંધીએ કહ્યું, ‘મને આઇબી (ઇન્ટેલિજન્સ બ્યુરો) ના લોકોનો કોલ આવે છે જેઓ મારો ફોન ટેપ કરે છે. મારા સુરક્ષા કર્મીઓએ પણ કહ્યું છે કે હું જે કરું છું તે તેઓને કહેવું પડશે. કોંગ્રેસ નેતાએ એમ પણ કહ્યું હતું કે તેમના મિત્રોનો પણ ફોન આવ્યો હતો કે તેમનો ફોન પણ ટેપ કરાયો હતો. તેણે કહ્યું, ‘હું ડરતો નથી. જાે તમે આ દેશમાં ભ્રષ્ટ અને ચોર છો, તો જ તમને ડર લાગશે. જાે તમે ભ્રષ્ટ નથી, તો ડરવાની કોઈ જ જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે કેટલાક મીડિયા સંગઠનોએ એક અહેવાલ પ્રકાશિત કર્યો છે જેમાં જણાવાયું છે કે ઇઝરાઇલના સ્પાયવેર પેગાસસનો ઉપયોગ કેટલાક રાજકીય નેતાઓ, સરકારી અધિકારીઓ, પત્રકારો સહિત અનેક ભારતીયો પર નજર રાખવા માટે કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે વિપક્ષ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. અને હવે રાહુલ ગાંધીએ પણ પ્રતિક્રિયા આપી હતી.
રાહુલ ગાંધીએ ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાંની માંગણી કરતાં કહ્યું હતું કે પેગાસસ એક એવું હથિયાર છે જેને ઈઝરાયેલ દ્વારા આતંકીઓ સામે લડવા માટે બનાવવામાં આવ્યું હતું. પરંતુ દેશના વડા પ્રધાન અને ગૃહમંત્રી એને રાજનૈતિક ફાયદો મેળવવા માટે ઉપયોગમાં લે છે જે તદ્દન ખોટું છે. તેની ન્યાયિક તપાસ થવી જાેઈએ અને ગૃહ મંત્રીએ રાજીનામું આપવું જાેઈએ.
આ અગાઉ કોંગ્રેસ પેગાસસ સ્પાયવેરના ઉપયોગથી જાસૂસી મામલે સુપ્રીમ કોર્ટની આગેવાની હેઠલ ન્યાયિક તપાસની માંગ કરી ચૂક્યું છે જે અંતર્ગત ગુરુવારે દેશભરમાં વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા આ મામલે અમિત શાહના રાજીનામાં ની માંગ કરવામાં આવી હતી.