રાજપારડી પોલીસના વાહન ચેકિંગ દરમ્યાન ચોરીની ૩૧ મોટર સાયકલોનો ભેદ ઉકેલાયો

વાહનચોર ટોળકીના છ આરોપીઓ ઝડપાતા મોટર સાયકલ ચોરીનું કૌભાંડ પકડાયુ.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લાના રાજપારડી ખાતે પોલીસે ચોરીની મનાતી ૩૧ મોટર સાયકલો સાથે વાહનચોર ટોળકીના છ આરોપીઓને ઝડપી લીધા હતા.
રાજપારડી પોલીસ માંથી મળતી વિગતો મુજબ તા.૨૨ મીના રોજ રાજપારડી પીએસઆઈ જે.બી.જાદવ પોલીસ ટીમ સાથે રાજપારડી નજીક ભુંડવા ખાડીના નાળા પાસે વાહન ચેકિંગમાં હતા.રાજ્ય સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ઈ ગુજકોપ અંતર્ગત આપેલ મોબાઈલ પોકેટકોપ તેમજ ઈ ગુજકોપમાં વાહન સર્ચ દરમ્યાન લગભગ ૫૦ જેટલા વાહનો સર્ચ કરવામાં આવતા તે દરમિયાન હિરો કંપનીની બે મોટર સાયકલ લઈને બન્ને પર ડબલ સવારી ચાર ઈસમો ઝઘડીયા તરફથી આવતા હતા તેમને રોકીને તપાસ કરતા શંકાસ્પદ જણાયા હતા.પોલીસે મોટર સાયકલના કાગળો માંગતા તે મળી શકેલ નહિ તેથી પોલીસને આ મોટર સાયકલો ચોરીની હોવાની શંકા ગઈ હતી.જરૂરી તપાસ દરમ્યાન મોટર સાયકલોના માલિકોના નામ જાણવા મળ્યા હતા.
આ બન્ને મોટર સાયકલો ચોરાયા બાબતે સુરત જીલ્લાના કીમ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા હોવાની જાણ થઈ હતી.પોલીસે આ બન્ને મોટરસાયકલ પર આવેલા ચારેય ઈસમોને હસ્તગત કરીને પુછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા અને તેમણે કબુલાત કરી હતી કે તેઓએ પોતાના અન્ય સાગરીતો સાથે ગુજરાતના સુરત,કડોદરા,કાપોદરા ,કામરેજ,કીમ,નવસારી,બારડોલી,ગરુડેશ્વર,અમદાવાદ ,સંખેડા,હાંસોટ અને ભરૂચ જેવા વિસ્તારો માંથી આશરે ૪૧ જેટલી મોટર સાયકલોની ચોરી કરીને પોતાના વતન મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના દરકલી ગામની નજીક આવેલ જંગલમાં છુપાવી રાખેલ હોવાની કબુલાત કરી હતી.
બાદમાં રાજપારડી પીએસઆઈ જે.બી.જાદવ અને નેત્રંગ પીએસઆઈ એન.જે.પાંચાણી સાથે મધ્યપ્રદેશમાં જંગલ વિસ્તારમાં અલગ અલગ જગ્યામાં રાત્રી દરમ્યાન સર્ચ ઓપરેશન કરીને ચોરીની મનાતી કુલ ૩૧ જેટલી મોટર સાયકલો કબજે લીધી હતી.પોલીસે આ ઘટનામાં કુલ ૭.૭૪ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.રાજપારડી પોલીસની આ તપાસ દરમ્યાન વિવિધ પોલીસ સ્ટેશનોમાં નંધાયેલા બાઈક ચોરીના ગુનાઓનો પર્દાફાશ થયો હતો.પોલીસે આ ઘટનામાં
(૧) શિલદારભાઈ વેરસિંગભાઈ ડોડવા રહે.છોટી ઉતવાલી જી.અલીરાજપુર
(૨) ગુમાનસિંગ વાલસિંગ સસ્તીયા રહે.દરકલી જિ.અલીરાજપુર,રીકેશભાઈ હુનાભાઈ ભૈડીયા રહે.કુંડવાટ જી.અલીરાજપુર (૩) માસીયાભાઈ રજાનભાઈ સસ્તીયા રહે.દરકલી જી.અલીરાજપુર (૪) રણછોડભાઈ ભાવસિંગભાઈ ધારવા રહે.દરકલી જી.અલીરાજપુર અને કિરીટભાઇ4 ઉર્ફે કિરણભાઈ હેમતાભાઈ જમરા રહે.કુંભી જી.અલીરાજપુર મધ્યપ્રદેશનાને હસ્તગત કરીને આગળની કાર્યવાહી હાથધરી હતી.