ગુજરાત હાઈકોર્ટનો રૂપાણી સરકારને આદેશ, ત્રીજી લહેર સામે લડવાની તૈયારી કરો
અમદાવાદ: કોરોના મામલે હાઈકોર્ટે ફરીથી ગુજરાત સરકારને અનેક મામલે ટકોર્યા છે. ત્રીજી લહેર આવવાની છે ત્યારે કોરોના મામલે થયેલી સુઓમોટોમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને અનેક સૂચનો અને આદેશ કર્યા છે.
ગુજરાત હાઇકોર્ટે કોરોના સુઓમોટો અરજી પર મહત્વપૂર્ણ ચુકાદો અપાયો છે. હાઈકોર્ટે ટકોર કરીને કહ્યું કે, આ રોગ જેવો આપણે માની છીએ તેવો છે નહિ. માસ્ક બાબતે હજુ લોકો અને રાજ્ય સરકારે ગંભીર થવાની જરૂર છે. માસ્ક અને કોરોના બાબતે લોકો માં જાગૃતિ લાવવાની જરૂર છે.રાજ્ય સરકાર રસીકરણ પર સૌથી વધારે ધ્યાન આપે. ૧૮ વર્ષથી નીચેના લોકો માટે સરકાર વધુ ચિંતા કરે.
સાથે જ હાઈકોર્ટે કહ્યું કે, આરટીપીસીઆર ટેસ્ટનું રાજ્ય સરકાર ધ્યાન આપે. દવાઓ, હોસ્પિટલના બેડ, ઈન્જેક્શન પૂરતો સ્ટોક રાખવો એ સરકારની જવાબદારી છે. ત્રીજી લહેર જાે આવશે તો બાળકો સંક્રમિત થશે તેવું એક્સપર્ટસ કહી રહ્યાં છે, ત્યારે બાળકો માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવે.
સાથે જ હાઈકોર્ટ દ્વારા દિવ્યાંગો માટે ડોર ટુ ડોર વેક્સીનની વ્યવસ્થા કરવા આદેશ કરાયો છે. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સીનેશનને લઈને લોકોમાં જાગૃતિનો અભાવ હોવાનું હાઈકોર્ટ દ્વારા અવલોન કરાયું. ત્યારે હાઈકોર્ટે સૂચના આપી કે, સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સીનેશન પર ભાર આપે અને જાગૃતિ લાવે.
ઓક્સિજનની અછત ના વર્તાય તે માટે પ્લાન્ટ તૈયાર રાખવા રાજ્ય સરકારને હાઈકોર્ટ દ્વારા આદેશ અપાયો છે. ડોક્ટર નર્સ અને પેરા મેડીકલ સ્ટાફની અછત ના રહે તે માટે સરકાર કાયમી ભરતી અંગે વિચારણા કરે તેવુ હાઈકોર્ટે કહ્યું. સાથે જ પીએચસી,સીએચસીમાં જરૂરી તમામ સાધનો વસાવી તેને અદ્યતન બનાવવા સૂચનો આપ્યા. હાઈકોર્ટે કહ્યું કે, કોરોના જેવી મહામારીમાં ટેલી કન્સલ્ટિંગ એક મહત્વનો ભાગ ભજવી શકે છે તો તે અંગે વ્યવસ્થા કરવા સરકાર વિચારે.