Western Times News

Gujarati News

પરિણીત પુરુષને મહિલાએ વીડિયો કૉલ દ્વારા બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા

FilesPhoto

અમદાવાદ: શહેરમાં રહેતા એક પરિણીત પુરુષ સાથે ઠગાઈ થઈ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ પરિણીત પુરુષ ઠગ મહિલાની જાળમાં ફસાઈ ગયો હતો. એક મહિલાએ વીડિયો કોલ કરી આ યુવકને વીડિયો વાયરલ ન કરવા પૈસા માંગ્યા હતા. અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો ન મૂકવા માટે પૈસાની માંગણી કરતા યુવકે અલગ અલગ સાત ટ્રાન્ઝેક્શનમાં કુલ ૬૬ હજાર ટ્રાન્સફર કર્યા હતા. જે બાબતે સાઇબર ક્રાઇમમાં અરજી કર્યા બાદ હવે વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે લોકોના નાણાં પરત અપાવવાનો દાવો કરતી સાઇબર ક્રાઇમના હાથ હવે ટૂંકા પડી રહ્યા હોય તેમ ગુનાઓના ભેદ ઉકેલાવાની ગતિ ધીમી પડી ગઈ છે. સાઇબર ક્રાઇમ અનેક લોકોને ન્યાય અપાવી શકતી નથી. બહારના રાજ્યોમાં જઈને કૉલ સેન્ટર પકડી પાડતી સાઇબર ક્રાઇમ હવે ક્યાંક ધીરી પડી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે શહેરમાં ત્રણ જ દિવસમાં સાઇબર ક્રાઇમની ૨૦થી વધુ ફરિયાદો અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

શહેરના નવા વાડજમાં રહેતો ૩૨ વર્ષીય પરિણીત યુવક ક્રેડિટ કંપનીમાં નોકરી કરે છે. મે માસમાં આ યુવક તેના ઘર પાસે બેઠો હતો ત્યારે એક યુવતીનો વીડિયો કૉલ આવ્યો હતો. જે કૉલમાં તેણીએ જણાવ્યું કે વીડિયો કોલનો વીડિયો અપલોડ ન કરવો હોય તો પૈસા આપવા પડશે. ૧૦ હજાર આપ્યા બાદ ફરી આ મહિલાનો મેસેજ આવ્યો અને યુટ્યુબ પર વીડિયો અપલોડ ન થવા દેવો હોય તો બીજા પૈસા આપો તેવું કહેતા યુવકે ફરી ૧૦ હજાર આપ્યા હતા.

બાદમાં ત્રીજીવાર ફોન આવ્યો અને ઇન્સ્ટાગ્રામ પર વીડિયો અપલોડ ન થવા દેવો હોય તો પૈસા આપો તેવું કહેતા યુવકે ફરી રકમ ટ્રાન્સફર કરી હતી. ફરીથી આ મહિલાએ યુવકનો સંપર્ક કરી અન્ય સોશિયલ મીડિયા પર વીડિયો ન મૂકવા અને વીડિયો ડિલીટ કરવા માટે નાણાંની માંગણી કરી હતી. યુવકે કુલ સાત અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરી ઓનલાઈન ૬૬ હજાર ટ્રાન્સફર કર્યા બાદ પણ મહિલાએ રૂપિયાની માંગણીઓ કરતા આખરે યુવકે સાઇબર સેલનો સંપર્ક કર્યો હતો. સાઇબર ક્રાઇમે યુવકની અરજી લઈ ટિકિટ જનરેટ કરી હતી. બાદમાં આ અંગે વાડજ પોલીસે ગુનો નોંધી આ પ્રકારની ઠગાઈ આચરતી ગેંગ સામે તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.