જાગતે રહોઃ કેદીએ આપઘાત કર્યો ત્યારે જેલ સિપાહી શું કરતા હતા?

Files Photo
‘ગુનેગારોની નગરી’ કહેવાતી સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓની સુરક્ષાના નામે મીડું
અમદાવાદ, ગુનેગારો તેમજ વિવાદોની નગરી કહેવાતી સાબરમતી સેન્ટ્રલ જેલ થોડા દિવસ પહેલાં ગેંગ રેપના કેદીએ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતાં વધુ વિવાદ તેના નામે કરી લીધો છે.
હત્યા, મારામારી, સુરંગકાંડ, જેલની દીવાલ કૂદીને ભાગવા જેવા અસંખ્ય કાંડના લીધે સાબરમતી સેન્ટ્રલ જેલ બદનામ થઇ છે. મોડી રાતે જેલમાં સિપાહી હાજર હોવા છતાંય બેરેકમાં આપઘાત જેવી ઘટના બનતાં અનેક સવાલો ઊભા થાય છે.
વર્ષ ૨૦૨૦માં ગેંગ રેપ કેસમાં પ્રજ્ઞેશ પટેલ, માલદેવ ભરવાડ, જિજ્ઞેશ ગોસ્વામી અને જૈમિન પટેલની ધરપકડ કરવામાં આવી હતી. સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે બંધ જૈમિન પટેલ નામના આરોપીએ થોડા દિવસ પહેલા ૨૦૦ નંબરની ખોલીમા ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.
વહેલી સવારે જૈમિન પટેલની ગળા ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા જેલના અધિકારીઓ દોડી આવ્યા હતા. આપઘાત કરતા પહેલા આરોપી જૈમિન પટેલે સ્યુસાઇડ નોટ લખી હતી, જેમાં તેણે લખ્યું હતું કે કેસમાંથી હુ બહાર આવી શકીશ નહીં, હું મારા પરિવારની માફી માગું છું.
રાણીપ પોલીસે જૈમિનના મોતના મામલે તપાસ શરૂ કરી છે, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે જાે મોડી રાતે જેલ સિપાહી પોતાની ડ્યુટી યોગ્ય રીતે કરતા હોત તો કદાચ જૈમિન પટેલે આપઘાત કર્યો જ ના હોત.
ઉલ્લેખનીય છે કે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ સુરક્ષાને લઇને અનેક વખત વિવાદોમાં આવી છે, તેમાં પણ ખાસ કરીને સુરંગકાંડને અત્યાર સુધીનો સૌથી મોટો વિવાદ ગણવામાં આવે છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં કોઇ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે જેલ તંત્ર સુરક્ષાને લઇને પૂરતું ધ્યાન આપી રહ્યું છે.
કેદીઓ મોબાઇલનો ઉપયોગ ના કરે તે માટે ૪-જી જામર લગાવી દીધાં છે તો બીજી તરફ કેદીઓને ઇમર્જન્સીના સમયે મદદ મળી રહે તે માટે જેલની તમામ બેરેકમાં પેનિક બટન (ઇમર્જન્સી બટન) પણ લગાવવામાં આવ્યા છે. કેદીઓ જેલમાં પ્રતિબંધિત ચીજવસ્તુઓ સંતાડીને ના લઇ જાય તેમાટે બોડી સ્કેનર મશીન પણ વસાવ્યું છે ત્યારે હાઇડેફિનેશનના સીસીટીવી કેમેરાથી જેલને સજ્જ કરવામાં આવી છે.
છ કિલોમીટરના ફેલાયેલી સાબરમતી સેન્ટ્રલ જેલમાં ૧૦૦ કરતાં વધુ બેરેક છે, જેમાં ૨૬૦૦ કરતાં વધુ કાચા કામ તેમજ પાકા કામના કેદીઓ બંધ છે. દિવસમાં નવ કલાક જ્યારે તમામ કેદીઓને બહાર કાઢવામાં આવે છે તે સમયે કેદીઓની પૂરતી સલામતી રાખવામાં આવે છે.
સેન્ટ્રલ જેલ અધીક્ષક સહિત ૪૦૦ જેલ સિપાહી, હવાલદાર, સૂબેદાર તમામ કેદીઓની સુરક્ષા કરતા હોય છે અને તેમની ગતિવિધિ પર નજર રાખતા હોય છે. તેમ છતાંય સાબરમતી સેન્ટ્રલ જેલને ગુનેગારોની નગર પણ કહેવામાં આવે છે, કારણ કે પાકા અને કાચા કામના કેદીઓ એકબીજાને મળીને પોતાના મનસૂબા પાર પાડવા માટેના કાવતરાં પણ સેન્ટ્રલ જેલમાં ઘડતા હોય છે.
૨૬ જુલાઇ, ૨૦૦૮ના રોજ શહેરમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા આતંકવાદીઓએ વર્ષ ૨૦૧૩માં જેલમાંથી ભાગવા માટે ૨૧૪ ફુટ લાંબી સુરંગ ખોદી હતી. હાઇ સિક્યોરીટી હોવા છતાંય આતંકવાદીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.
ત્યારબાદ જેલમાં સુરક્ષાને લઇને વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા સેન્ટ્રલ જેલમાં વિશાલ ગોસ્વામી દ્વારા ખંડણીના નેટવર્કનો પર્દાફાશ પણ થયો હતો, જ્યારે એક હત્યાનો આરોપી જેલની દીવાલ કૂદીને પણ નાસી ગયો હતો.
સાબરમતી સેન્ટ્રલ જેલમાં સુરક્ષાને લઇને ધ્યાન આપતું હોવા છતાંય વિવાદો સર્જાયા છે. જેલમાં છાશવારે ને છાશવારે મોબાઇલ મળી આવે છે. હાલ જૈમિન પટેલે કરેલ આપઘાત કેસમાં પણ ક્યાંક ને ક્યાંક જેલ કર્મચારીઓની બેદરકારી પણ સામે આવી હોય તેવું લાગી રહ્યું છે. ૨૦૦ ખોલીમાં સીસીટીવી કેમેરા નથી.