Western Times News

Gujarati News

વધતી જતી વસ્તી મોટી ચિંતાનો વિષય

લોકોને વધુમાં વધુ શિક્ષિત કરીને જાગૃત કરવા પડશે. ભણેલા-ગણેલા લોકો પણ દીકરાની ચાહતમાં કેટલાંય સંતાનો પેદા કરી લે છે. લિંગભેદની આ માનસિકતાને હવે બદલવાની જરૂર છે

આખું વિશ્વ આજે વધતી જતી વસ્તીની સમસ્યાથી ચિંતિત છે. પ્રકૃતિ અને દેશના સંસાધનો સીમિત છે અને જનસંખ્યા વૃદ્ધિથી તેના પર વધુ દબાણ પડી રહ્યું છે. તેનું વધુ પડતું શોષણ થાય છે. ભારત વસ્તીની દૃષ્ટિએ વિશ્વમાં બીજા નંબરે છે, પરંતુ ક્ષેત્રફળની દૃષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં સાતમું છે, જાેકે કેટલાક રિપોર્ટમાં એવી આશંકા વ્યકત કરાઈ છે કે આગામી કેટલાંક વર્ષોમાં ભારત વસ્તીની બાબતમાં ચીનને પણ પછાડી દેશે. આ ખૂબ ચિંતાનો વિષય છે.

વિશ્વમાં દર વર્ષે વસ્તીમાં આઠ કરોડની વૃદ્ધિ થાય છે, તેમાંથી બે કરોડનો વસ્તી વધારો એકલા ભારતમાં થાય છે. મતલબ કે સમગ્ર દુનિયાની કુલ જનસંખ્યા વૃદ્ધિની એક ચતુર્થાંશ હિસ્સો માત્ર ભારતમાં વધે છે. ભારતમાં પ્રતિમિનિટ પર બાળકો પેદા થાય છે. ક્ષેત્રફળની સરખામણીમાં ભારતની વસ્તી ઘણી વધુ છે અને તેમાં ઉત્તરોઉત્તર વધારો થતો રહે છે.

જનસંખ્યા વૃદ્ધિ અનેક સમસ્યાઓને જન્મ આપે છે, તેમાં આવાસોની કમી સર્જાય છે. લોકોએ ઝૂંપડપટ્ટીમાં રહીને પણ જીવન પસાર કરવું પડે છે. આવાસની સમસ્યાઓ હલ કરવા માટે વન કાપવામાં આવે છે. મનુષ્યએ રહેવા માટે ગામડાં અને શહેરોનું નિર્માણ કર્યું છે. જનસંખ્યા વૃદ્ધિની સાથે-સાથે લોકોની જરૂરિયાતો પુરી કરવા માટે ઉદ્યોગો પણ વધ્યા છે.

તેનાથી જળવાયુનું પ્રદુષણ પણ ફેલાય છે. વૃક્ષોના નિકંદનથી આપણી પ્રાકૃતિક સંપદાને પણ નુકશાન થાય છે. પ્રકૃતિ પર પણ તેની ખરાબ અસર પડે છે, જેના દુષ્પપરિણામ આપણને રોજબરોજ જાેવા મળે છે.

વધતી વસ્તીના લીધે વાહનોની સંખ્યા પણ વધે છે, જેનાથી ગ્રીન હાઉસ ગેસનું પણ વધુ ઉત્સર્જન થાય છે. આપણું વાયુમંડળ પણ તેનાથી પ્રભાવિત થાય છે. વૃક્ષોને કાપવાની કાર્બન ડાયોક્સાઈડની માત્રા વાયુમંડળમાં વધી જાય છે. જે મનુષ્ય માટે ખૂબ હાનિકારક છે.

જનસંખ્યા વધવાના લીધે પૃથ્વીનું તાપમાન વધે છે અને સમુદ્રનું જળસ્તર પણ વધે છે, તેનાથી સમુદ્રતટ સાથે ઘેરાયેલાં રાષ્ટ્રો અને સમુદ્રતટીય વિસ્તારોને પણ ખતરો છે, તેનાથી સામાજિક અસમાનતા પેદા થાય છે. ખાદ્યાન્નની સમસ્યા ઉત્પન્ન થાય છે, કેમ કે કૃષિ માટે એટલી જમીન પણ નથી. ગરીબવર્ગ સંસાધનોથી વંચિત રહે ત્યારે સામાજિક અસમાનતા ઉભી થતાં દ્વેષ અને સંઘર્ષની સ્થિતિ ઉત્પન્ન થાય છે.

પરિવારો જેટલા નાના હશે, તેના સભ્યો તેટલી જ સુખ- સુવિધાઓ ભોગવી શકશે. બાળકોને સારું શિક્ષણ, સારા સંસ્કાર અને સારુ પોષણ આપી શકાશે. દેશની જનસંખ્યા જેટલી ઓછી હશે, નોકરી અને સરકારી સુખ- સુવિધા એટલી જ વધુ પ્રમાણમાં મળી શકશે. સારા શિક્ષણ અને સારા સ્વાસ્થ્ય તેમજ બહેતર જીવનશૈલી માટે કોઈ પણ દેશની વસ્તી ઓછી હોય તે જરૂરી છે.

ભારતના નાગરિકોમાં યુવાનોની સંખ્યા સૌથી વધુ છે, જેનો ઉપયોગ દેશની અર્થવ્યવસ્થાને ગતિ આપવામાં કરી શકાય છે, પરંતુ ગુણવત્તાયુક્ત શિક્ષણના અભાવથી અને સીમિત રોજગારીના અવસરથી યુવા જનસંખ્યા પણ બોજ લાગે છે. પર્યાપ્ત સાધનોની કમીના લીધે મોટાભાગના યુવાનો ઉચ્ચ શિક્ષણ તો મેળવી લે છે, પરંતુ કોઈ વિશિષ્ટ કાર્યક્ષેત્રથી સંબંધિત યોગ્યતાને વિકસિત કરવાનું પ્રશિક્ષણ મેળવવામાં અસમર્થ રહે છે. આ કારણે તેઓ ઉચ્ચ શિક્ષિત હોવા છતાં પણ બેરોજગાર રહી જાય છે.

વસ્તી વધારા માટે માત્ર એક દિવ્સ ઉજવી લેવાથી આપણી જવાબદારી પૂરી થતી નથી. તેના માટે ઠોસ પગલાં પણ ભરવાં પડશે. લોકોને વધુમાં વધુ શિક્ષિત કરીને જાગૃત કરવા પડશે. ભણેલા-ગણેલા લોકો પણ દીકરાની ચાહતમાં કેટલાંય સંતાનો પેદા કરી લે છે.

લિંગભેદની આ માનસિકતાને બદલવાની જરૂર છે. સરકાર પણ પોતાના રાજકીય ફાયદા માટે આ મુદ્દે કોઈ ઠોસ નિર્ણય લેતાં અટકે છે અને કાયદો બનાવતી નથી, જાેકે હવે આપણે ખૂબ જ જાગૃત થવું પડશે અને વસ્તી વધારા માટે કડક પગલાં ભરવા પડશે.

સરકારની સાથે-સાથે દરેક નાગરિકે પણ આ માટે ચિંતા કરવી પડશે અને નાના પરિવારની નીતિ અમલમાં લાવવી પડશે. જનસંખ્યા વૃદ્ધિના કારણે જ આજે દેશમાં ગરીબી, ભૂખમરો, બેરોજગારી જેવી સમસ્યાઓ છે. સમાન નાગરિક સંહિતા અને જનસંખ્યા નિયંત્રણ કાયદો લાવવો પડશે. આશા છે કે તમામ પ્રદેશ સરકાર પોતપોતાના રાજયમાં આ કાયદા લાગુ કરે અને ભવિષ્યમાં દેશને ઉન્નતિ, વિકાસ અને ખુશાલીના માર્ગે લઈ જાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.