સુગમ સંગીત, લગ્નગીત, લોકગીત અને ભજન સ્પર્ધા યોજાશે
અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં ૦૨ થી ૧૯ ઓગસ્ટ.૨૦૨૧ દરમિયાન ગાયન સ્પર્ધાનું આયોજન-૨૭ ઓગસ્ટ,૨૦૨૧એ રાજ્યકક્ષાની સ્પર્ધા યોજાશે.
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ હેઠળની યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અને જિલ્લા રમતગમત અધિકારી કચેરી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ૦૨ થી ૧૯ ઓગસ્ટ, ૨૦૨૧ દરમિયાન ગાયન સ્પર્ધા
( સુગમ સંગીત, લગ્નગીત, શાસ્ત્રીય કંઠ્ય સંગીત(હિંદુસ્તાની), લોકગીત અને ભજન)નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના જુદા જુદા વયજૂથ પ્રમાણે કલાકારો ભાગ લઈ શકશે, તેમ જિલ્લા રમતગમત અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
આ યાદી અનુસાર આ સ્પર્ધામાં ૬ થી ૧૪, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ થી ઉપર(ઓપન વયજૂથ)ના સ્પર્ધકો ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા સ્પર્ધકે નિયમ મુજબ વીડિયો ક્લીપ તૈયાર કરી તારીખ ૧૯-૦૮-૨૦૨૧ના બપોરે ૧૨-૦૦ કલાસ સુધી સાતમો માળ, જિલ્લા રમત ગમત કચેરી, રવિશંકર રાવળ કલાભ
વન, લો-ગાર્ડન, અમદાવાદ ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારીને આપવાની રહેશે.
જિલ્લા કક્ષાએ સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ. ૧,૦૦૦, દ્વિતિય વિજેતાને રૂ. ૭૫૦ તેમ જ તૃતીય વિજેતાને રુ. ૫૦૦ ઈનામ આપવામાં આવશે.
રાજ્યકક્ષાની સ્પર્ધામાં ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ. ૨૫,૦૦૦, દ્વિતિય વિજેતાને રૂ. ૧૫,૦૦૦ અને તૃતીય વિજેતાને રૂ. ૧૦,૦૦૦ એમ ત્રણ ઈનામો અપાશે. બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ. ૫,૦૦૦ (પ્રત્યેકને) આશ્વાસન ઈનામ આપવામાં આવશે.
આ સ્પર્ધા અંગેના તમામ નિયમો કચેરીના બ્લોગ એડ્રેસ- https://districtsportsahmedabad.wordpress.com પરથી અને કચેરી પરથી મેળવી શકાશે. આ અંગેની વધુ માહિતી ફેસબુક પેજ – http://www.facebook.com/mobile2sports અને યુટ્યૂબ લિન્ક -http://www.youtube.com/channel/UCzsiROvtHpN4rKensUaz-g પરથી મેળવી શકાશે.
ઉલ્લેખનીય છે કે માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ૧-૧૦-૨૦૨૧ના રોજ ગુજરાતના યુવા ધનને યોગ અને શારીરિક સશક્ત બનાવવાના હેતુથી મોબાઈલ ટુ સ્પોર્ટ્સ અભિયાનની નવતર પહેલી કરાઈ હતી. જેનો હેતુ યુવાનો કોવીડ મહામારીમાં ફેસબુક,વોટ્સએપ,ઈન્સ્ટાગ્રામ અને વીડિયો ગેમ્સમાં કિંમતી સમય ન બગાડે અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ તરફ વળે તે હતો, તેમ જિલ્લા રમતગમત અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.