વર-કન્યાના પરિવારજનો વચ્ચે મારામારી થતા હોબાળો
અમદાવાદ: છોકરીએ મરજી વિરુદ્ધ પોતાની પસંદગીના યુવક સાથે લગ્ન કરી લીધા બાદ વર અને કન્યા પક્ષ વચ્ચે થયેલી મારામારીમાં લૂંટનો પણ આરોપ લગાવાતા વર અને કન્યાના માતાપિતાએ જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. નવાઈની વાત એ છે કે બંને પાછા એક જ જેલમાં છે. જાેકે, આ મામલે બંને પક્ષોએ સમાધાન કરવાની તૈયારી બતાવી હાઈકોર્ટમાં સજા મોકૂફી માટે અપીલ કરી હતી. કોર્ટે તેમની અપીલને ગ્રાહ્ય તો રાખી હતી, પરંતુ સાથે એવી ટકોર પણ કરી હતી કે આવી સ્થિતિમાં જાે દીકરીને સાસરામાં તકલીફ પડે તો તે ક્યાં જશે? આ સમગ્ર ઘટનાની વિગતો એવી છે કે, અમરેલીના લાઠીની પાયલે (નામ બદલ્યું છે)
પોતાના પરિવારજનોની ઈચ્છા વિરુદ્ધ પોતાની પસંદગીના યુવક ધવલ (નામ બદલ્યું છે) સાથે લગ્ન કરી લીધા હતા. જાેકે, પાયલના પરિવારજનોને આ પસંદ ના પડતાં તેમની અને ધવલના પરિવારજનો વચ્ચે મારામારી થઈ હતી. આ મામલે બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. તેમાંય પાયલના પરિવારજનોએ મારામારી દરમિયાન તેમના ખિસ્સામાંથી રોકડા પાંચ હજારની લૂંટ કરાઈ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો, જ્યારે ધવલના પરિવારજનોએ ૬૦ હજારની લૂંટ કરાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.
આમ, મારામારીના કેસમાં લૂંટની પણ કલમ ઉમેરાતા પાયલ અને ધવલના પરિવારજનોની ધરપકડ કરીને તેમને અમરેલી સબજેલમાં મોકલી આપવામાં આવ્યા હતા, જેમાં પાયલની માતાનો પણ સમાવેશ થાય છે. જાેકે, જેલની હવા ખાધા બાદ બંને પક્ષોએ સમાધાન કરવાનું નક્કી કરી સજા રદ કરાવવા માટે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. તેમની અપીલની સુનાવણી દરમિયાન જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે એવી ટકોર કરી હતી કે વર અને કન્યાના મોટાભાગના પરિવારો હાલ જેલમાં બંધ છે, આવી સ્થિતિમાં જાે છોકરીને કોઈ તકલીફ આવી તો તે ક્યાં જશે? સામાન્ય રીતે મારામારીના કેસમાં છ મહિનાની સજાની જાેગવાઈ હોય છે, અને તેનો કેસ ટ્રાયલ કોર્ટમાં ચાલતો હોય છે. જાેકે, બંને પક્ષોએ તેમાં લૂંટની પણ કલમ ઉમેરાવી દેતા કેસને સેશન્સનો બનાવી દીધો હતો.