૧૬ વર્ષની કિશોરીએ પ્રેમીના ઈશારે માતાની હત્યા કરી દીધી
નવી દિલ્હી: એક અત્યંત ચોંકાવનારી ઘટનામાં પ્રેમમાં આંધળી બનેલી ૧૬ વર્ષની દીકરીએ સગી માતાની હત્યા કરી નાખી છે. છોકરી ૧૮ વર્ષના એક છોકરાના પ્રેમમા હતી અને બંને લગ્ન કરવા માગતાં હતાં. જાેકે, છોકરીની માતાને તેની સામે વાંધો હતો. જેથી બંનેએ તેનું કાસળ કાઢી નાખવાનું નક્કી કર્યું હતું. છોકરીના પ્રેમીએ મર્ડરનો પ્લાન બનાવીને છોકરીને સમજાવી દીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, છોકરી મર્ડર કરી રહી હતી ત્યારે તેનો પ્રેમી વિડીયો કોલ પર તેને નિર્દેશ આપી રહ્યો હતો.
હરિયાણાના ફરિદાબાદમાં બનેલી આ ઘટનામાં ૧૬ વર્ષની નિલમને (નામ બદલ્યું છે) યુપીના બુલંદશહેરમાં રહેતા દીપાંશુ સાથે અફેર ચાલતું હતું. નિલમ અને દીપાંશુ લગ્ન કરવા માગતાં હતાં, પરંતુ નિલમની માતાને આ સંબંધ મંજૂર નહોતા. છેલ્લા બે વર્ષથી તેઓ રિલેશનમાં હતાં, જાેકે નિલમની માતા તેમાં કાંટો બનતી હોવાથી દીપાંશુએ તેનું મર્ડર કરવાની યોજના બનાવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, ૧૦ જુલાઈના રોજ દીપાંશુએ નિલમને ઊંઘની ગોળીઓ લાવીને આપી હતી. જેને નિલમે લીંબુના શરબતમાં ભેળવીને પીવડાવી દીધી હતી. તેના કારણે મૃતકને જાેરદાર ઘેન ચઢી ગયું હતું. માતા ઊંડી ઊંઘમાં છે તેની ખાતરી કરીને નિલમે પોતાના પ્લાન અનુસાર દીપાંશુને વિડીયો કોલ કર્યો હતો. કોલ પર દીપાંશુએ નિલમને સૌ પહેલા તો ઓશિકાથી તેની માતાનું મોઢું દબાવી દેવા માટે કહ્યું હતું. તેમ કર્યા બાદ તેણે દુપટ્ટાથી માતાનું ગળું દબાવી દઈને તેનું મોત થયું છે કે નહીં તે કન્ફર્મ કર્યું હતું અને દીપાંશુને તેની જાણ કરી હતી.
૧૧ જુલાઈના રોજ નિલમના ભાઈએ પોતાની માતાના મર્ડરની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
શરુઆતમાં પોલીસ પણ આ કેસમાં ગૂંચવાઈ હતી. જાેકે, નિલમનો ફોન ચેક કરવાની સાથે તેની પૂછપરછ કરવામાં આવતા નિલમે પોતાની કરતૂતના વટાણા વેરી દીધા હતા. જે રીતે નિલમે પોતે કેવી રીતે માતાની હત્યા કરી તેનું વર્ણન કર્યું તે સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ મર્ડરમાં દીપાંશુએ સાથ આપ્યો હોવાથી પોલીસે તેની પણ ધરપકડ કરી છે. હાલ દીપાંશુને જેલના હવાલે કરી દેવાયો છે, જ્યારે નિલમને જુવેનાઈલ હોમમાં મોકલવામાં આવી છે.