વજન વધતા ઝઘડો કરતા પતિ સામે પત્નીએ ફરિયાદ નોંધાવી

પ્રતિકાત્મક
અમદાવાદના ઈસનપુર વિસ્તારની ઘટના-બે બાળકોને જન્મ આપ્યા બાદ મહિલાની થાઈરોડની તકલીફને લીધે વજન વધી જતાં પતિએ ઝગડો કર્યો
અમદાવાદ, શહેરમાં રહેતી એક મહિલાએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવી છે. આ મહિલાએ આક્ષેપ કર્યા છે કે તેણે બે સંતાનોને જન્મ આપ્યા બાદ તેની થાઇરોડની તકલીફ વધી ગઈ હતી. જેથી તેનું વજન વધી જતાં તેનો પતિ ઝઘડા કર્યાં રાખતો હતો.
તે જ્યારે પણ સંતાનોને બહાર ફરવા લઈ જતો ત્યારે તેણીને સાથે લઈ જતો ન હતો. આટલું જ નહીં શંકાઓ રાખી નોકરી તો છોડાવી જ દીધી હતી પરંતુ મહિલા ઉપવાસ કરે તો તેને ફ્રૂટ કે ફરાળની વસ્તુઓ પણ ન લાવી આપી ત્રાસ ગુજારતો હતો. ઇસનપુરમાં રહેતી ૪૦ વર્ષીય મહીલા એક કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે.
વર્ષ ૨૦૦૫માં મેમનગર ખાતે રહેતા એક યુવક સાથે આ મહિલાના લગ્ન થયા હતાં. બાદમાં ૨૦૧૦માં આ મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો અને ૨૦૧૪માં એક પુત્રને જન્મ આપ્યો હતો. સંતાનો થયા બાદ આ મહિલાને થાઇરોડની બીમારી થતા તેનું શરીર વધતું જતું હતું.
જેથી પતિ અન્ય બાબતોમાં તેની સાથે બોલાચાલી કરી ઝઘડા કર્યાં કરતો હતો. મહિલાએ પુત્રને જન્મ આપ્યા બાદ તેનો પતિ પુત્રી અને પૂત્ર વચ્ચે ભેદભાવ રાખતો હતો. સાસરિયાના અન્ય લોકો પણ ફરિયાદીને ત્રાસ આપીને પોતાનો પગાર પતિના ખાતામાં ટ્રાન્સફર કરાવી દેવાનું કહેતા હતા.
મહિલા તેની પુત્રીનો પક્ષ લે તો પતિ તેની સાથે ઝઘડો કરતો હતો. આ બધી બાબતો મહિલાએ તેના પિયરજનોને કરતા તમામ લોકો સમાધાન માટે ભેગા થયા હતા. કોરોનાકાળમાં મહિલાને શરદી ખાંસી થતા તેણી ટેસ્ટ કરાવીને ઘરે આવી તો પતિએ ઘરમાં ઘૂસવા દીધી ન હતી. આખરે સંતાનો વચ્ચે પડતા તેને ઘરમાં આવવા દીધી હતી.
બાદમાં શંકાઓ રાખી તેના પતિએ નોકરી છોડાવી દીધી હતી પરંતુ ખર્ચ માટે રૂપિયા આપતો ન હતો. મહિલા ઉપવાસ કરે તો ફરાળ કે ફ્રૂટ લાવવાના પણ પૈસા આપતો ન હતો. સંતાનોને બહાર ફરવા લઈ જાય ત્યારે તેનો પતિ તેણીને સાથે લઈને જતો ન હતો. તેનો પતિ તેની પત્નીને કોઈ પણ બાબતમાં સામેલ પણ કરતો ન હતો. આખરે માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને મહિલાએ અરજી કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.