સાડા છ કરોડ ગુજરાતીઓનો પુરૂષાર્થ અને સરકારની દ્રઢ ઇચ્છા શક્તિ થકી ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ બન્યુ

ચહુમુખી વિકાસ સાથે દેશ સમગ્ર વિશ્વમાં આગળ વધે અને તેના માટે ગુજરાત રોલ મોડલ પ્રસ્થાપિત કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરતા રાજ્યપાલ
– દેશ માટે જીવવાના સંકલ્પ સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં સહભાગી બનીએ
– આરઝી હકૂમતના સ્વાતંત્ર્ય વીરોને બિરદાવીએ: આ લડતને લીધે જૂનાગઢ ભારતમાં જોડાયુ
જૂનાગઢ જિલ્લાના વિકાસ કામો માટે રૂ.૭.૫૦ કરોડની રકમ ફાળવવાની જાહેરાત કરતા મુખ્યમંત્રી: કલેક્ટર સહિતના અધિકારીઓને મુખ્યમંત્રીના હસ્તે ચેક અર્પણ
ગુજરાતની ધરતીએ મહાત્માગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ, શ્યામજી કૃષ્ણ વર્મા, નરસિંહ મહેતા, દયાનંદ સરસ્વતી, જેવા મહાપુરૂષો-ક્રાંતિકારીઓને જન્મ આપ્યો છે તેમ જણાવી સરદાર વલ્લભભાઇ પટેલે દેશના રજવાડાઓને એક કરી અખંડ ભારતનું નિર્માણ કરવાનું મહાન કાર્ય કર્યું હતું.
જૂનાગઢ, ભારત વર્ષના ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ ખાતે યોજાયેલ આઝાદી કા અમૃત મહોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સહભાગી થઇ જૂનાગઢ જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાની તેમજ વિવિધ ક્ષેત્રે યોગદાન આપનાર ગણમાન્ય નાગરિકોનું સન્માન-અભિવાદન કર્યુ હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સૌને સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવી જણાવ્યુ હતુ કે, જૂનાગઢની ઐતિહાસિક ભૂમિ જૂનાગઢ પ્રદેશને ભારત સાથે જોડવાના આરઝી હકૂમતના સંગ્રામના સંસ્મરણોથી જોડાયેલી છે. રાજ્યપાલશ્રીએ જૂનાગઢની રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં પસંદગી કરી તે અંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને સમગ્ર રાજ્ય સરકારને પ્રશાસનને અભિનંદન આપી આઝાદી કા અમૃત મહોત્સવ પ્રસંગે સૌ નાગરિકો દેશની પ્રગતિ, ખ્યાતિ, પ્રતિષ્ઠા અને વિકાસ માટે સંકલ્પ બદ્ધ બને તેમ ઉમેર્યુ હતું.
ગુજરાતની ધરતીએ મહાત્માગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ, શ્યામજી કૃષ્ણ વર્મા, નરસિંહ મહેતા, દયાનંદ સરસ્વતી, જેવા મહાપુરૂષો-ક્રાંતિકારીઓને જન્મ આપ્યો છે તેમ જણાવી સરદાર વલ્લભભાઇ પટેલે દેશના રજવાડાઓને એક કરી અખંડ ભારતનું નિર્માણ કરવાનું મહાન કાર્ય કર્યું તેમ જણાવ્યુ હતું.
જૂનાગઢને ભારતનું અભિન્ન બનાવનાર લોકશક્તિ-સ્વાતંત્ર્ય વીરો આપણને સૌને પ્રેરણા આપે છે તેમ જણાવ્યુ હતું.
ગિરનાર ક્ષેત્ર આધ્યાત્મિક ચેતના ઉજાગર કરે છે, જૂનાગઢ જિલ્લાને પ્રકૃતિએ-ભગવાને સમૃદ્ધિ આપી છે તેમ જણાવી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત વૈશ્વિક સ્તરે પ્રગતિ કરે, નવી ઉંચાઇ હાંસલ કરે તે અભિયાનમાં સહભાગી થવા રાજ્યપાલશ્રીએ આહવાન કર્યુ હતુ.
રાજ્યપાલએ ગુજરાત તમામ માટે પ્રેરણારૂપ બને તેવી અપેક્ષા વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે ચહુમુખી વિકાસ સાથે દેશ સમગ્ર વિશ્વમાં આગળ વધે અને તેના માટે ગુજરાત રોલ મોડલ પ્રસ્થાપિત કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના અવસરે જૂનાગઢ જિલ્લાના વિકાસ માટે રૂપિયા ૭.૫૦ કરોડની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતના સ્વાતંત્ર્યવીરોનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, મેડમ કામા, સરદારસિંહ રાણા સહિતના વીર સપૂતોએ આપણને આઝાદી અપાવવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે, જેના પરિણામે આપણને સ્વરાજ્ય પ્રાપ્ત થયું છે. ત્યારે આપણે આઝાદીના ૭૫ માં વર્ષે સ્વરાજ્યથી સુરાજ્ય તરફ આગળ વધવા સંકલ્પબદ્ધ બનવું પડશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યના વિકાસનો પાયો નાંખ્યો હતો, તેમની કેડીએ ચાલીને આ સરકાર ગુજરાતને વિકાસનું રોલ મોડેલ બનાવવા પ્રતિબદ્ધ છે. આજે ગુજરાત દસેય દિશામાં વિકાસ કરી રહ્યું છે, અને નવા કીર્તિમાન સ્થાપિત કરી રહ્યું છે. ઉત્પાદન અને વિકાસની અનેક બાબતોમાં ગુજરાત અગ્રેસર છે. જેમાં સાડા છ કરોડ ગુજરાતીઓનો પુરૂષાર્થ અને ગુજરાત સરકારની દ્રઢ ઇચ્છાશક્તિ સામેલ છે.
તેમણે આ તકે દેશ માટે મરવાના નહીં, પરંતુ દેશ માટે જીવવાના સંકલ્પ સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં સૌને સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીએ જૂનાગઢની આરઝી હકુમતની લડતને વધાવતા ઉમેર્યું હતું કે આરઝી હકુમતના સેનાનીઓ શામળદાસ ગાંધી, રતુભાઈ અદાણી, પુષ્પાબેન મહેતા, દરબાર ગોપાલદાસ, શુરગભાઇ વરૂ અને શંભુ પ્રસાદ દેસાઇ સહિતના લડવૈયાઓએ આપેલી લડત અને સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીની દીર્ઘદ્રષ્ટિથી જૂનાગઢ આજે ભારતનું અભિન્ન અંગ બન્યું છે.
સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે જૂનાગઢ જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાની લાભશંકર દવે, લોક સાહિત્યકાર રાજભા ગઢવી, ઇતિહાસકાર પ્રદ્યુમન ખાચર, ઢોલકવાદક હાજીભાઇ રમકડુ, રમત ગમત ક્ષેત્રે લાલાભાઇ પરમાર અને દેવકુમાર આંબલીયા, કૃષિ ક્ષેત્રે પરષોતમ સીદપરા અને હિતેષભાઇ દોમડીયાને સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા આયોજિત ‘તારા નામમાં ઓ સ્વતંત્રતા’ થીમ આધારિત દેશ ભક્તિ આઝાદીની ચળવળ અને આરઝી હકુમતના સંગ્રામની ગાથા રજૂ કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો. જેમાં, ૧૨૦ થી વધુ કલાકારોએ પોતાની કલાના કામણ પાથર્યા હતા. આ સાંસ્કૃતિક કાર્યક્રમ રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિત શહેરના નાગરિકોએ નિહાળ્યો હતો.આ કાર્યક્રમમાં ભાગીદાર થયેલ તમામ કલાકારોને મુખ્યમંત્રી તથા રાજ્યપાલએ અભિનંદન પાઠવી બિરદાવ્યા હતા.
મુખ્યમંત્રી દ્વારા જાહેર કરાયેલ રૂ.૭.૫૦ કરોડની રકમમાં રૂ.૨.૫૦ કરોડ જૂનાગઢ મહાનગરને, રૂ.ર.૫૦ કરોડ જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારને અને રૂ.૨.૫૦ કરોડ નગરપાલિકા વિસ્તારના વિકાસ માટે અપાશે. આ તકે મુખ્યમંત્રીના હસ્તે કલેક્ટરશ્રી, ડી.ડી.ઓ. અને મ્યુનિસીપલ કમિશનરને આ રકમના ચેક અર્પણ કરાયા હતા.
આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના જોવાલાયક સ્થળો ને ઉજાગર કરતી જિલ્લા માહિતી કચેરી દ્વારા સંપાદિત પુસ્તિકા ‘ગિરનારી ગૌરવનો ગઢ જૂનાગઢ’ તેમજ પોલીસ વિભાગ દ્વારા તાઉતે વાવાઝોડા સામે કરેલી કામગીરીને પ્રદર્શિત કરતી પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.
૭૫માં સ્વાતંત્ર્ય પર્વની પર્વે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં લેડી ગર્વનર શ્રીમતિ દર્શનાદેવી, શ્રીમતિ અંજલીબેન રૂપાણી, સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા, જૂનાગઢના મેયર ધીરૂભાઇ ગોહિલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ શાંતાબેન, મુખ્ય સચિવ અનિલ મુકિમ, ડીજીપી આશિષ ભાટીયા,અધિક મુખ્ય સચિવશ્રી ગૃહ પંકજકુમાર, અધિક મુખ્ય સચિવ મહેસુલ કમલ દયાની, અધિક મુખ્ય સચિવશ્રી રમત-ગમત સી.વી. સોમ, મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર, અધિક સચિવશ્રી પ્રોટોકોલ જ્વલંત રાવલ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટર રચિત રાજએ શાબ્દિક સ્વાગત કર્યુ હતું.