GCS હોસ્પિટલ દ્રારા પેરામેડિકલ અને હેલ્થકેર પ્રોફેશનલ અભ્યાસક્રમો માટે GCS હેલ્થકેર એકેડેમીનો આરંભ
જીસીએસ મેડિકલ કોલેજ, હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર દ્વારા પેરામેડિકલ અને હેલ્થકેર પ્રોફેશનલ અભ્યાસક્રમો માટે જીસીએસ હેલ્થકેર એકેડમીનો શુભારંભ કરાયો છે. શ્રી ક્ષિતિશ મદનમોહન (વાઇસ પ્રેસિડેન્ટ અને ટ્રસ્ટી – જીસીએસ) અને શ્રી દીવ્યેશ રાડિયા (સેક્રેટરી – જીસીએસ)ના વરદ હસ્તે
16મી ઓગસ્ટના રોજ આ જીસીએસ હેલ્થકેર એકેડેમીનો શુભારંભ થયેલ છે જ્યાં જીસીએસ હોસ્ટિપટલના શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઉપયોગથી અનુભવી અને નિષ્ણાત ટીમ દ્વારા વિવિધ પેરામેડિકલ અને હેલ્થકેર અભ્યાસક્રમો શીખવાડવામાં આવશે.
જીસીએસ હેલ્થકેર એકેડેમીમાં ઈસીજી/ઇકો/ટીએમટી, મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી, એક્સ-રે/સીટી-સ્કેન અને એમઆરઆઈ ટેકનોલોજી, એન્ડોસ્કોપી ટેકનોલોજી, ઈન્ફેક્શન કંટ્રોલ નર્સિંગ, ડાયાલિસિસ ટેકનોલોજી, હોસ્પિટલ અને હેલ્થકેર મેનેજમેન્ટ જેવા પેરામેડિકલ અને હેલ્થકેર કોર્સ ઉપલબ્ધ હશે. જે વિદ્યાર્થીઓને હેલ્થકેર પ્રોફેશનલ્સ તરીકે તેમની કારકિર્દી શરૂ કરવામાં મદદ કરશે.
આ નિમિતે જીસીએસના હોન. સેક્રેટરી શ્રી દીવ્યેશ રાડિયાએ જણાવ્યું હતું કે, “પેરામેડિકલ અભ્યાસક્રમો તબીબી શિક્ષણનો મહત્વનો ભાગ છે. આરોગ્ય અને શિક્ષણ કોઈપણ અર્થતંત્રના મહત્વના તત્વો છે. આવા અભ્યાસક્રમો શરૂ કરીને, જીસીએસ એકેડમી ગુજરાતના શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે વિવિધ તકો સાથે યોગદાન આપશે અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય સાથે રાષ્ટ્રીય આરોગ્ય સેવાઓમાં વધુ અસરકારક ભાગ ભજવશે”
NMC દ્વારા માન્ય, જીસીએસ મેડિકલ કોલેજ 2011થી એમબીબીએસ અભ્યાસક્રમોમાં વાર્ષિક 150 બેઠક અને પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં વાર્ષિક 50થી વધુ બેઠક સાથે તબીબી શિક્ષણમાં મોખરે છે.