Western Times News

Gujarati News

માલપુરના પરસોડા ગામમાં મકાનની દીવાલ ધરાશાયી થતા ૧ મહિલા મોત: ૪ સભ્યોનો આબાદ બચાવ

(પ્રતિનિધિ) મોડાસા, અરવલ્લી જીલ્લામાં સતત ૩ દિવસથી મેઘમહેર યથાવત રહેતા કાચા મકાનોમાં ભેજ લાગતા સતત દીવાલો ધરાશાયી થવાની ઘટનાઓ બની રહી છે માલપુર પંથકમાં ધોધમાર વરસાદ થી કાચા અને જર્જરિત મકાનો ગમે તે ઘડીએ ધરાશાયી થવાની દહેશત વચ્ચે પરસોડા ગામના ખાંટ ફળિયામાં મકાનની દીવાલ ધરાશાયી થતા ઘરમાં રહેલી મહિલા કાટમાળમાં દબાતા ભારે અફડાતફડી મચી હતી મકાન ધરાશાયી થતા દોડી આવેલા ગ્રામજનોએ કાટમાળ નીચેથી મહિલાને બહાર કાઢી સારવાર અર્થે દવાખાને ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડ્‌યું હતું ખાંટ પરિવારના ૪ સભ્યો ઘરની બહાર હોવાથી આબાદ બચાવ થયો હતો ઘટનાના પગલે માલપુર પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

શનિવારની સવાર પરસોડા ગામના ગરીબ પરિવાર માટે આફતરૂપી સાબિત થઈ હતી પરસોડા ગામમાં રહેતા પ્રવીણભાઈ ખાંટનું કાચું મકાન સતત વરસાદના પગલે મકાનની દિવાલ ધ્વસ્ત થતા દોડધામ મચી ગઇ હતી ઘરમાં ઘરકામ કરતા મંજુલાબેન પ્રવીણભાઈ ખાંટ દબાઈ જતા મોત નિપજતા પરિવારજનોએ આક્રંદ કરી મૂક્યું હતું ઘરના ૪ સભ્યો ઘરની બહાર હોવાથી આબાદ બચાવ થયો હતો સમગ્ર ઘટનાને પગલે માલપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

સમગ્ર મામલે માલપુર તાલુકા મામલતદાર કચેરી દ્વારા તલાટી મારફત રીપોર્ટ મંગાવી જોગવાઇ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જીલ્લામાં ભારે વરસાદ બાદ કાચી દિવાલો ભેજને પગલે ધરાશાયી થતી હોય અન્ય રહીશોમાં પણ મુંઝવણ વધી છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.