અમદાવાદમાં પુનઃ“ફૂડ સ્ટ્રીટ” ધમધમી ઊઠ્યુ
કોમર્સ છ રસ્તા- લો ગાર્ડનમાં લારીઓ પર ખાવા ભીડ: વડાપાઉ, સેન્ડવીચ, મેગી- પાસ્તા, પકોડી, દાબેલી, ખમણ, ઈડલી-સંભાર લોકોની પસંદ
(પ્રતિનિધિ) અમદાવાદ, કોરોનાના પાછલા બે વર્ષમાં લોકોએ આર્થિક મુશ્કેલીનો વધુ સામનો કર્યો છે. ઘણાએ તો પોતાના સ્વજનો ગુમાવ્યા છે. કોરોનાએ લોકોને બચત કરતા શીખવ્યુ. પરંતુ લાંબાગાળા સુધી એક જ પ્રકારના વાતાવરણથી લોકો કંટાળ્યા હોવાથી મુક્ત જીવનનો અહેસાસ થાય તે માટે પ્રવાસન સ્થળોએ ભીડ વધતી તો ખાણીપીણી પર નજર દોડાવી.
શનિવાર- રવિવારે રેસ્ટોરન્ટો- હોટલ્સ પાછી હાઉસફુલ થવા લાગી છે. વેઈટીંગમાં બે-બે કલાક ઉભા રહેવુ પડે છે પરંતુ આ સાથે જ સ્ટ્રીટ ફૂડની બોલબાલા વધી ગઈ છે. રૂટિનમાં ફાફડા- જલેબી- ગોટા, ભજીયા, ખમણ, પાત્રા, સમોસા, વડાપાઉ, દાબેલી, સેન્ડવીચ તરફ વધ્યા છે. મોંઘી રેસ્ટોરન્ટોનું સ્થાન ફૂડ સ્ટ્રીટે લઈ લીધુ છે.
રસ્તા પર લારી ઉપર ખાવા ભીડ લાગી રહી છે. લો-ગાર્ડન વિસ્તારમાં છોટે-કુલમા, વડાપાઉ, સેન્ડવીચ તથા પકોડીની લારી- ખુમચા પર ભીડભાડના દ્રશ્યો જાેવા મળી રહયા છે.
ચટપટુ ખાવા માટે શહેરીજનો ફૂડ સ્ટ્રીટને વધુ પસંદ કરે છે. કોમર્સ છ રસ્તા પર આવેલ ખાણીપીણી બજાર ફરીથી ધમધમી ઉઠયુ છે મેગી-પાસ્તા અને ફ્રેંકી ખાવા માટે યુવાનો- યુવતીઓ મોટી સંખ્યામાં આવતા જાેવા મળશે તો દરેક વિસ્તારમાં જાેવા મળતી ખમણ-બટેકા પૌંઆની લારીઓ ધમધમી ઉઠી છે.
પૂર્વ વિસ્તાર ઈડલી- સંભારનું વેચાણ શરૂ થયુ છે તો શ્રાવણ મહિનામાં ફરાળી પેટીસ- સાબુદાણાની ખીચડી મળી રહી છે. લો ગાર્ડન સમથેશ્વર મહાદેવની સામે સોમવારે લારી પર ફરાળી ખાવા લાઈન લાગે છે. ટૂંકમાં ફૂડ સ્ટ્રીટની બોલબાલા ફરીથી જાેવા મળી રહી છે.
લોકો પણ કોરોનાને ભૂલીને પોતાની મનગમતી ચટપટી ચીજવસ્તુઓ ખાવાની મજા માણી રહયા છે અત્યાર સુધી “અદ્રશ્ય” ભીડ પકોડીની લારી પર વિશેષ જાેવા મળશે. આમ અમદાવાદમાં પુનઃ ફૂડ સ્ટ્રીટ ની શરૂઆત થઈ ગઈ છે.