હુર્રિયત કોન્ફરન્સના બન્ને જૂથો પર પ્રતિબંધની કેન્દ્ર દ્વારા તૈયારી

નવીદિલ્હી, હુર્રિયત કોન્ફરન્સના બન્ને જૂથો સામે કેન્દ્ર સરકાર મોટી કાર્યવાહી કરી શકે છે. ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (યુએપીએ) હેઠળ બન્ને સામે પ્રતિબંધ લાદવામાં આવી શકે છે. સંબંધિત અધિકારીઓએ જણાવ્યું કે, હુર્રિયત કોન્ફરન્સના બન્ને જૂથો, એક અલગતાવાદી સંગઠન કે જે બે દાયકાઓથી જમ્મુ અને કાશ્મીરમાં અલગતાવાદી ચળવળનું નેતૃત્વ કરી રહ્યુ છે, તેને યુએપીએ હેઠળ પ્રતિબંધિત કરવાનું અનૂમાન છે.
અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, પાકિસ્તાનમાં સંસ્થાઓ દ્વારા કાશ્મીરી વિદ્યાર્થીઓને એમબીબીએસની બેઠકો આપવાની તાજેતરની તપાસ સૂચવે છે કે કેટલાક સંગઠનો દ્વારા ઉમેદવારો પાસેથી એકત્રિત કરવામાં આવેલા નાણાંનો ઉપયોગ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી સંગઠનોને નાણાં આપવા માટે કરવામાં આવી રહ્યો હતો.
યુએપીએની કલમ ૩(૧) હેઠળ જાે કેન્દ્ર સરકારને એવું જણાય કે કોઇપણ યુનિયન ગેરકાયદેસર છે તો તે સત્તાવાર ગેઝેટમાં જાહેરનામું બહાર પાડીને આવા યુનિયનને ગેરકાયદેસર જાહેર કરી શકે છે. બન્ને જૂથો પર પ્રતિબંધ મૂકતો આ પ્રસ્તાવ કેન્દ્રની આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ રજૂ કરવામાં આવ્યો છે. હુર્રિયત કોન્ફરન્સ ૧૯૯૩માં ૨૬ જૂથો સાથે અસ્તિત્વમાં આવી હતી, જેમાં કેટલાક પાકિસ્તાન અને જમાત-એ-ઇસ્લામી, જેકેએલએફ અને દુખ્તારન-એ-મિલ્લત જેવા પ્રતિબંધિત સંગઠનોના સમર્થકોનો સમાવેશ થાય છે. તેમાં પીપલ્સ કોન્ફરન્સ અને મીરવાઇઝ ઉમર ફારૂકના નેતૃત્વવાળી અવામી એક્શન કમિટીનો પણ સમાવેશ થાય છે.HS