Western Times News

Gujarati News

મહારાષ્ટ્રના શહીદ જવાનને પાંચ બહેનોએ કાંધ આપી

ઔરંગાબાદ, રક્ષાબંધન એક એવો દિવસ છે કે જ્યારે બહેનો પોતાના ભાઈઓના હાથ પર રાખડી બાંધી તેની રક્ષા માટે પ્રાર્થના કરતી હોય છે. જાેકે, મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના બામની ગામમાં આ પવિત્ર દિવસે જ પાંચ બહેનોને પોતાના ભાઈના અંતિમ સંસ્કાર કરવાના આવતા સમગ્ર ગામમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. પાંચ બહેનોના ભાઈ આઈટીબીપીમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ હતા, અને છત્તીસગઢમાં એક માઓવાદી હુમલામાં શહીદ થયા હતા.

શહીદ સુધાકર શિંદે (ઉં. ૪૫ વર્ષ) ૨૦ ઓગસ્ટના રોજ છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં ડ્યૂટી પર હતા. તે વખતે થયેલા એક નક્સલી હુમલામાં તેમનું મોત થયું હતું. તેમના અંતિમ સંસ્કાર ૨૨ ઓગસ્ટના રોજ સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે તેમના વતનમાં કરવામાં આવ્યા હતા. શહીદના છ વર્ષના દીકરાએ તેમને મુખાગ્નિ આપી ત્યારે સ્મશાનમાં હાજર તેમની પાંચ બહેનો, સંબંધીઓ અને પાડોશીઓ આંસુ નહોતા રોકી શક્યાં. શહીદ સુધાકર શિન્દેના મિત્ર હરિભાઉ વાઘમારેએ જણાવ્યું હતું કે, તેઓ સાત ભાઈ-બહેનોમાં સૌથી મોટા હતા. તમામ બહેનોને તેમણે જ પરણાવી હતી. તેમના પિતા એક નાના ખેડૂત હોવાથી નાની ઉંમરથી જ તેમણે પરિવારને ટેકો કરવાનું શરુ કરી દીધું હતું.

છેલ્લા થોડા સમયથી જ તેમના પરિવારની સ્થિતિ સુધરી હતી. વર્ષો સુધી તેમણે જ પરિવારની તમામ જરુરિયાતોનું ધ્યાન રાખ્યું હતું. નારાયણપુરમાં આઈટીબીપીની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે નક્સલીઓની એક ટૂકડીએ તેના પર હુમલો કરી દીધો હતો. સુધાકર શિંદેને આ અટેકમાં ૧૩ ગોળીઓ વાગતા તેઓ ઘટનાસ્થળ પર જ શહીદ થયા હતા. તેઓ પોતાની પાછળ વૃદ્ધ માતા-પિતા, પત્ની, ચાર વર્ષની એક દીકરી અને છ વર્ષના એક દીકરાને વિલાપ કરતા મૂકી ગયા છે. તેમણે એગ્રિકલ્ચરમાં અભ્યાસ કર્યો હતો, અને ત્યારબાદ આઈટીબીપીમાં જાેડાયા હતા, જ્યાં પ્રમોશન મેળવી આસિસ્ટન્ટ કમાન્ડન્ટના પદ સુધી પહોંચ્યા હતા.

બામની ગામના સરપંચ રામચંદ્ર જાધવે જણાવ્યું હતું કે, નાનપણથી જ કપરી સ્થિતિમાં મોટા થયેલા સુધાકર શિંદે ખૂબ જ સંવેદનશીલ અને નમ્ર વ્યક્તિ હતા. સમગ્ર ગામ તેમના પર ગર્વ મહેસૂસ કરતું હતું. મહારાષ્ટ્રના પીડબલ્યુડી મંત્રી અશોક ચવાણ પણ સદ્‌ગતની અંતિમ વિધિમાં હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સરકાર શહીદના પરિવારને તમામ મદદ કરશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.