પ્રજાના રૂપિયાનો બાકડા પાછળ ધુમાડો
મ્યુનિ.કોર્પાેરેટરો નિયત મર્યાદા કરતાં બમણી રકમ બાકડા માટે ખર્ચ કરે છે |
અમદાવાદ : અમદાવાદ શહેરના “પ્રજા-સેવકો”ને જનસેવા માટે મનપા દ્વારા દર વર્ષે રૂ.૨૫ લાખનું બજેટ આપવામાં આવે છે. જેમાં સ્વચ્છ ભારત મિશનના રૂ.૩ લાખનો પણ સમાવેશ થાય છે. પ્રજાના પરસેવાની કમાણીમાંથી, પ્રજાકીય કામો માટે, પ્રજાના પ્રતિનિધિઓને રૂ.૨૫ લાખ જેટલી મોટી રકમ દર વર્ષે આપવામાં આવે છે. જેનો યોગ્ય ઉપયોગ થતો નથી. પ્રજાના સેવકો બજેટનો આડેધડ ઊપયોગ કરી રહ્યા છે. પ્રજાકીય કામોમાં ઓછી રકમ ખર્ચ થાય છે. જ્યારે નામ-ન્તકતી માટે વધુ રકમ ખર્ચ થઇ રહી છે. મ્યુનિ.કોર્પાેરેશનની ચૂંટાયેલી પાંખને બાંકડાનો મોહ વધારે છે. તેમજ બાંકડા માટે મનપાના તમામ નિયમો પણ અભરાઈએ મૂકવામાં આવી રહ્યા હોવાની વિગતો બહાર આવી છે.
મ્યુનિ.કોર્પાેરેશનના પ્લાનીંગ વિભાગ દ્વારા બાંકડા માટે સપ્ટેમ્બર-૨૦૧૮માં ખાસ પરિપત્ર નિયમો અને ખર્ચ મર્યાદાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સદર પરિપત્ર મુજબ જે ફૂટપાથની પહોળાઈ ૨.૫૦ મીટરથી વધુ હોય તે ફૂટપાથ પર જ બાંકડા મુકવા અન્યથા અડચણરૂપ થાય તે રીતે બાંકડા ન મૂકવા. એક જ સ્થળે ચાર બાંકડાથી વધુ એક સાથે ન મૂકવા, સ્ટીલના બાંકડા માત્ર ઈન્ડોર જગ્યામાં જ મૂકવા, મ્યુનિ.શાળા, આંગણવાડી સ્મશાન, કોર્પાેરેશન હસ્તકના કોમન પ્લોટ, બગીચા, તળાવ વગેરે સ્થળે બાંકડા મુકવા તેમજ કાઉન્સીલર ગ્રાન્ટમાંથી દર વર્ષે મહત્તમ દ ટકાની મર્યાદામાં જ બાંકડા માટે ખર્ચ થઇ શકશે.
કોર્પાેરેટરનું નામ |
વોર્ડ |
બાકડા માટે ખર્ચ કરવામાં આવેલ રકમ (૨૦૧૮-૧૯) |
યોગિની બેન પ્રજાપતિ | નિકોલ | ૪,૬૫,૦૦૦ |
હીરાબેન પટેલ | નિકોલ | ૬,૫૦,૦૦૦ |
બળદેવભાઈ પટેલ | નિકોલ | ૬,૦૦,૦૦૦ |
રુકસાનાબાનું ઘાંચી | ગોમતીપુર | ૪,૪૫,૦૦૦ |
દેવ્યાનીબેન દેસાઈ | ઓઢવ | ૪,૧૦,૦૦૦ |
સપના તોમર | અમરાઈવાડી | ૬,૦૦,૦૦૦ |
બળદેવભાઈ દેસાઈ | અમરાઈવાડી | ૪,૩૫,૦૦૦ |
જયશ્રીબેન શાહ | દરિયાપુર | ૪,૪૫,૦૦૦ |
પ્રતિમા જૈન | શાહીબાગ | ૪,૫૦,૦૦૦ |
નૂતનબેન ચૌહાણ | અમરાઈવાડી | ૬,૬૫,૦૦૦ |
ગયાપ્રસાદ કનોજીયા | હાટકેશ્વર | ૩,૦૦,૦૦૦ |
મહેશભાઈ પટેલ | હાટકેશ્વર | ૩,૫૦,૦૦૦ |
ગીતાબેન પટેલ | વિરાટનગર | ૩,૯૪,૨૫૦ |
ગૌતમ કથીરિયા | નિકોલ | ૪,૭૦,૦૦૦ |
મ્યુનિ.કમિશ્નર દ્વારા કરવામાં આવેલ સદર પરિપત્રનો અમલ કોર્પાેરેટરો કરતા નથી. તથા મહત્તમ મર્યાદા રૂ.૨.૨૦ લાખ કરતાં અનેકગણી વધુ રકમ બાંકડા માટે ખર્ચ થઇ રહી હોવાનું જાગૃત યુવા સમિતિના પ્રમુખ જણાવી રહ્યા છે. મ્યુનિ.કોર્પાેરેટરો દર વર્ષે બાંકડા માટે આડેધડ ખર્ચ કરી રહ્યા છે. તથા પ્રજાના રૂપિયાનો ધુમાડો કરી રહ્યા છે. જાગૃત યુવા સમિતિના પ્રમુખ સંતોષસિંહ રાઠોડે આ અંગે વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું કે સપ્ટે.૨૦૧૮માં બાંકડા માટે પરિપત્ર થયો હતો.
નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં પૂર્વ, મધ્ય અને ઉત્તર ઝોનના ૨૦ જેટલાં કોર્પાેરેટરોએ પરિપત્રમાં સુચવેલ મર્યાદા કરતા વધુ રકમ ખર્ચ કરી છે. નિકોલના મહિલા કોર્પાેરેટર યોગીનીબેન પ્રજાપતિએ ૨૦૧૮-૧૯માં બાંકડા માટે કુલ રૂ.૪.૬૫ લાખ ફાળવ્યા હતા. પરિપત્ર થયા પહેલાં રૂ.૨.૬૦ લાખ તથા પરિપત્ર બાદ વધુ રૂ.૨.૦૫ લાખ બાંકડા માટે ખર્ચ કરવામાં આવ્યા હતાં.
હીરાબેન પટેલે ૨૦૧૮-૧૯માં બાંકડા માટે રૂ.૬.૫૦ લાખ ખર્ચ કર્યા છે. પરિપત્ર પહેલાં રૂ.૩.૫૦ લાખ અને પરિપત્ર બાદ વધુ રૂ.૩.૦૦ લાખની ફાળવણી કરી હતી. ૨૦૧૮-૧૯નાં વર્ષમાં ગૌતમભાઈ કથીરીયાએ મર્યાદા કરતાં રૂ.૨.૭૦ લાખ તથા બળદેવભાઈ પટેલે રૂ.૩.૫૦ લાખ વધુ ખર્ચ કર્યા હતા.
બળદેવભાઈ પટેલે એક જ નાણાંકીય વર્ષમાં રૂ.૬ લાખ માત્ર બાંકડા માટે ખર્ચ કર્યા હતા. વિરાટનગર વોર્ડના ગીતાબેન પટેલે પણ મર્યાદા કરતા રૂ.૧.૫૦ લાખ તથા ગોમતીપુરના દેવેન્દ્ર વિસનગરીએ રૂ.૮૦ હજારની વધુ રકમનો ધુમાડો બાંકડા માટે કર્યા હતાં. અમરાઈવાડીમાં કોર્પાેરેટર સપનાબેન તોમરે ૨૦૧૮-૧૯માં બાંકડા માટે રૂ.૬ લાખ, બલદેવભાઈ દેસાઈએ રૂ.૪.૩૫ લાખ, ઓઢવના દેવયાની બેન દેસાઈએ રૂ.૪.૧૦ લાખ, ગોમતીપુરના રૂકસાનાબાનુ ઘાંચીએ રૂ.૪.૪૫ લાખ, દરિયાપુરના જયશ્રીબેન શાહે રૂ.૪.૪૫ લાખ તથા શાહીબાગના પ્રતિમાબેન જૈને રૂ.૪.૫૦ લાખનું બજેટ માત્ર બાંકડા માટે જ ફાળવ્યું છે.
મ્યુનિ.કોર્પાેરેશનમાં છેલ્લાં ઘણા વર્ષાેથી હરિયાળી ક્રાંતિ માટે અભિયાન શરૂ કર્યંુ છે. તેવા સંજાગોમાં ટ્રી-ગાર્ડ માટે પૂરતી રકમ કોર્પાેરેટરો ફાળવતા નથી. ૨૦૧૫-૧૬ના વર્ષમાં બાંકડા માટે રૂ.૧૪૭ કરોડનું બજેટ ભાજપ-કોંગ્રેસના કોર્પાેરેટરોએ ફાળવ્યું હતું. જ્યારે ટ્રી-ગાર્ડ માટે માત્ર રૂ.૬ લાખ ખર્ચ કરવામાં આવ્યા હતાં.
મ્યુનિ.કમિશ્નરના પરિપત્રમાં સ્ટીલ બાંકડા “ઈન્ડોર” જગ્યામાં મૂકવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. તેમ છતાં અનેક સ્થળે જાહેર માર્ગ ઉપર પણ સ્ટીલના બાંકડા નજરે પડે છે. તેમજ કેટલાંક કોર્પાેરેટરોએ સ્ટીલના બાંકડા માટે ખૂબ જ મોટી રકમ ફાળવી છે. તેથી આ બાંકડા ખરેખર જરૂરિયાતના સ્થળે જ મૂકવામાં આવે છે કે કેમ ? તેની પણ તપાસ જરૂરી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.