Western Times News

Gujarati News

‘ડોર ટુ ડોર ડમ્પ’ની કામગીરીમાં વ્યાપક ગેરરીતીઃ પીરાણા સાઈડ પર વાહનો ફસાયાં

File Photo

શહેરમાં ઠેર ઠેર ઢગલા થઈ રહ્યા છે, રોગચાળો વધી રહ્યો છે પણ ભાજપના સત્તાધીશોને નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા નથી

અમદાવાદ : પીરાણા ડમ્પ સાઈટ ઉપર કચરો ઠાલવવા જતા હુક લોડર વાહનો ફસાઈ જાય છે, પીરણા ડમ્પ સાઈટ ઉપર રોડ નથી, જે રસ્તાઓ છે ત્યાં કાદવ એટલો બધો છે કે, આર.ટી.એસ.થી કચરો ઉપાડી પીરાણા ડમ્પ સાઈટ ઉપર લઈ જતા હુક લોડર વાહનો ફસાઈ જાય છે જેથી આર.ટી.એસ. સ્ટેશન પરથી કચરો ઉપડી રહ્યો નથી.

આર.ટી.એસ. સ્ટેશનની ઘન્ટીમાં કચરો પડ્‌યો રહ્યો છે, જેથી ડોર ટૂ ડોરના વાહનોને આર.ટી.એસ. સ્ટેશન ઉપર કચરો ઠાલવવા ૫થી ૬ કલાક લાઈનમાં ઉભા રહેવું પડે છે, જેથી જે ડોર ટુ ડોરના વાહનોને તેમના નિર્ધારિત રૂટ ઉપર ૪થી ૫ ફૅરા કરવાના હોય છે તે માત્ર બે ફેરા કરી શકે છે. આમ આખા શહેરના તમામ આર.ટી.એસ સ્ટેશનની આ સ્થિતિ છે. જેના લીધે છેલ્લા એક મહિનાથી શહેરમાંથી ૫૦ ટકા કચરો ઉપડી રહ્યો નથી.

ઠેર ઠેર કચરાના ઢગલા થઈ ગયા છે, રોગચાળો વધી રહ્યો છે. ડોર ટુ ડોર પ્રોજેક્ટના વાહનોના ડ્રાઇવરોએ પણ જણાવ્યું કે, છેલ્લા એક મહિનાથી તેમના રૂટ ઉપર ૫૦ ટકા કચરો ઉપડી રહ્યો નથી. આ સ્થિતિ અંગે વિપક્ષના નેતાએ સ્થળ તપાસ કર્યા બાદ સમગ્ર સ્થિતિની મ્યુનિ.કમિશનરને જાણ કરી છે.

અમદાવાદ મ્યુનિ. વિપક્ષના નેતા દિનેશ શર્માએ જણાવ્યું હતું કે, શનિવારે સવારે ખડીયા આર.ટી.એસ. સ્ટેશનની મુલાકાત લીધી હતી. અહીં સ્થળ ઉપર એકપણ અધિકારી હાજર ન હતો. ડોર ટુ ડોરના વાહનોની લાઈનો હતી. ઘન્ટીમાં કચરો પડ્‌યો હતો. આ કચરો ત્રણ ચાર કલાક સુધી ઉપડતો નથી. આમ સ્થિતિ એવી છે કે, શહેરમાં છેલ્લા એક મહિનાથી ૫૦ ટકા કચરો ઉપડતો નથી.

શહેરમાં ઠેર ઠેર ઢગલા થઈ રહ્યા છે, રોગચાળો વધી રહ્યો છે પણ ભાજપના સત્તાધીશોને નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખકારીની ચિંતા નથી. દર વર્ષે ચોમાસામાં શહેરની પીરાણા ડમ્પ સાઈટ ઉપર કચરો પડવાના કિસ્સા સામે આવે છે, કચરથી રોડ દબાઈ જવાના કિસ્સા સામે આવે છે, પીરાણા ડમ્પ સાઈટ ઉપર જતા કાચા રસ્તા કિચડથી ખદબદે છે, આ વર્ષે ચોમાસામાં પીરાણા ડમ્પ સાઈટ ઉપર નવો કચરો ઠાલવવાના કાચા રસ્તામાં વાહનો ફસાઈ જાય છે.

જેથી આર.ટી.એસ. સ્ટેશનથી કચરો ઉપાડી જનારા હુક લોડર વાહનો પીરાણા ડમ્પ સાઈટ ઉપર ફસાઈ જાય છે. જેથી આરટીએસ સ્ટેશનથી કચરો ઉપડી રહ્યો નથી. આ કારણે ડોર ટુ ડોરના વાહનો તેમના રૂટ કવર કરી રહ્યા નથી. ૫૦ ટકા કચરો ઉપડી રહ્યો નથી. સોસાયટીઓની બહાર અને રોડ ઉપર કચરાના ઢગલા પડયા છે.

નાગરિકો ત્રાહિમામ છે, વર્ષે કચરો સોસાયટીઓ અને રોડથી ઉપાડીને પીરાણા ડમ્પ સાઈટ લઇ જવા પાછળ રૂ.૧૦૦ કરોડથી વધુનો ખર્ચ થાય છે પણ છેલ્લા એક મહિનાથી શહેરમાં કચરો ઉપડી રહ્યો નથી તે અમદાવાદ મ્યુનિ. તંત્ર માટે શરમની વાત છે. શહેરના ખાડિયા, વટવા, રખિયાલ, આરટીઓ, સોલા, નરોડા, વાસણા સહિત ૮ આર.ટી.એસ. સ્ટેશનો બંધ હાલતમાં હોય તેવો ઘાટ છે, ૫૦ ટકા જ કચરો ઉપડી રહયો છે.

આ બાબતે મ્યુનિ. કમિશનર અને મેયર પ્રજાને પડતી તકલીફ અંગે માફી માંગે. કચરો નિયમિત ઉપડે તેવી વ્યવસ્થા કરવા માંગણી છે. એક તરફ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારત અભિયાન ચલાવે છે, બીજી તરફ ભાજપ શાસિત અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન કચરો ઉપડવાના નામે નાગરિકોને છેતરી રહી છે, ૧૦૦ કરોડનો યુઝર ચાર્જનો બોજ અમદાવાદના નાગરિકોના માથે નાખ્યો છે અને કચરો તો ઉપડી રહ્યો નથી. નાગરિકો પાસે ઉઘરાવેલો યુઝર ચાર્જ પાછો આપવો જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.