દેશમાં મોંઘવારી સતત વધી રહી છે: ૧ વર્ષમાં ખાદ્ય તેલનો ભાવ ૭૦૦થી ૧૧૦૦ વધ્યો

નવીદિલ્હી, દેશમાં મોંઘવારી સતત વધી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવની સાથે-સાથે અન્ય વસ્તુઓના ભાવમાં પણ ખૂબ જ વધારો થયો છે. તો બીજી તરફ શ્રાવણ મહિનો શરૂ થતાં જ હવે તહેવારની સિઝન શરૂ થઈ ગઈ છે અને તહેવારની સીઝનના સમયે જ ખાદ્યતેલના ભાવમાં ખૂબ જ વધારો થયો છે. સીંગતેલ હોય કે કપાસિયા તેલ હોય આ બંને તેલના ભાવ ખૂબ જ વધ્યા છે અને જેથી કરી મધ્યમ વર્ગના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મહત્ત્વની વાત કહી શકાય કે, છેલ્લા એક વર્ષના સમયમાં કપાસિયા તેલના ભાવમાં ૧,૧૦૦ રૂપિયા અને સિંગતેલના ભાવમાં ૭૯૦ રૂપિયાનો વધારો થયો છે. સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ વધારે હોવાના કારણે હોટલ અને રેસ્ટોરન્ટમાં મોટાભાગે લોકો પામોલીન તેલનો ઉપયોગ કરે છે. કારણકે પામોલીન તેલ ૨,૧૦૦ રૂપિયામાં ૧૫ લિટર મળે છે.
સીંગતેલનો ભાવ ૨૦૨૦માં ૧,૮૦૦ રૂપિયા હતો. કપાસિયા તેલનો ભાવ ૧,૪૫૦થી ૧,૫૦૦ રૂપિયા હતો. સનફ્લાવર તેલનો ભાવ ૧,૭૦૦ રૂપિયા હતો. મકાઈના તેલનો ભાવ ૧,૫૦૦ રૂપિયા હતો અને પામોલિન ઓઈલનો ભાવ ૧,૩૦૦ રૂપિયા હતો પરંતુ ૨૦૨૧માં સીંગતેલનો ભાવ ૨૨૫૦થી ૨૫૯૦ રૂપિયા થયો છે. કપાસિયા તેલનો ભાવ ૨,૫૦૦થી ૨,૫૫૦ થયો છે.
સનફ્લાવર તેલનો ભાવ ૨,૩૫૦, મકાઈના તેલનો ભાવ ૨,૫૦૦ અને પામોલીન તેલ ૨,૧૦૦ રૂપિયાના ભાવે મળી રહ્યો છે.પેટ્રોલની સાથે-સાથે ખાદ્ય પદાર્થોના ભાવમાં પણ વધારો થતા મધ્યમ વર્ગના લોકોને બેવડો માર પડી રહ્યો છે. મહત્ત્વની વાત છે કે, પહેલા લોકો આખા વર્ષનું તેલ પોતાના ઘરમાં સંગ્રહ કરતા હતા પરંતુ હવે આ જ લોકો એક લીટરથી ૫ લીટર લિટરના પાઉચ ખરીદવા માટે મજબૂર થયા છે કારણ કે, તેલનો ભાવ કુદકેને ભુસકે વધી રહ્યો છે.
આ બાબતે ખાદ્યતેલનો વેપાર કરતા એક વેપારીનું કહેવું છે કે, ખાદ્ય તેલના ભાવની વધઘટ પામોલીન તેલ પર આધાર રાખે છે. પામોલીન તેલ મલેશિયા અને ઇન્ડોનેશિયાથી આયાત થાય છે અને તેના પર ડ્યૂટી લાગતી હોવાના કારણે તેનો ભાવ વધે છે તેના જ કારણે અન્ય તેલના ભાવ પણ વધે છે શહેરમાં સનફ્લાવર, કપાસિયા, સીંગતેલ અને મકાઇનું તેલ વધારે લોકો ઉપયોગ કરે છે. આ તેલમાં સૌથી વધારે ભાવ કપાસિયા તેલમાં વધ્યો છે.
કપાસિયાતેલમાં ૧,૧૦૦, સનફ્લાવર ૬૫૦ અને મકાઈના તેલમાં ૧,૦૦૦ રૂપિયાનો ભાવનો વધારો થયો છે. તો બીજી તરફ પામોલીન તેલના ભાવમાં પણ એક વર્ષમાં ૮૦૦ રૂપિયાનો વધારો થયો છે.HS