Western Times News

Gujarati News

બોપલમાં ડ્રેનજમાં ઊતરેલા ૩ મજૂર ફસાયા, બેનાં મોત

અમદાવાદ, શહેરના બોપલ વિસ્તારમાં ઔડા દ્વારા ડ્રેનેજની કામગીરી દરમિયાન ૩ મજૂર ગટરમાં ફસાયા હતા. જેમાંથી બેનું ગૂંગળામણને કારણે મોત થયું હોવાની ઘટના બની છે. મીડિયા રિપોર્ટ મુજબ બનાવની જાણ થતા જ ફાયર વિભાગના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બે મજૂરોને બહાર કાઢ્યા હતા અને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે એક કામગારની શોધખોળ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ બોપલ શીલજ કેનાલ પાસે ડ્રેનેજ લાઈનમાં કામ ચાલતુ હોવાથી એક મજૂર ગટરમાં ઉતર્યો હતો. થોડીવાર ગૂંગળામણને કારણે તે બેભાન થઈ જતાં તેના બે મજૂર ભાઈ પણ ગટરમાં ઉતર્યા હતા. તેમને પણ ગૂંગળામણની અસર થતાં ત્રણમાંથી બેના મોત થયા હતા જ્યારે એકની શોખધોળ હાથ ધરવામાં આવી હતી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને મૃતકોના પરિવારમા શોકનું મોજું ફરી વળ્યું છે.

બનાવને પગલે સ્થાનિકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ થોડીવારમાં ફાયરના જવાનો ત્યાં આવી પહોંચ્યા હતા અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી અને બે મજૂરોને બેભાન હાલતમાં બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં બંનેનું મોત થયું હતું. મજૂરોના પરિવારના જણાવ્યા અનુસાર ગટરમાં ફસાયેલા યુવક ત્રણ ભાઈઓ હતા.

ઘટનાને પગલે પોલીસ તપાસ શરૂ કરતા જાણવા મળ્યું કે, ઔડા દ્વારા આ ડ્રેનેજની પાઈપલાઈનનું કામ યોગી કન્સ્ટ્રક્શનને આપવામાં આવ્યું હતું. આ અંગે બોપલ પોલીસે પેટા કોન્ટ્રાક્ટર હિંમતભાઈની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં અગાઉ પણ આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.