સિરિયલ બ્લાસ્ટમાં ૭૨ લોકોના મોત, પૂર્વ અફઘાની ઉપરાષ્ટ્રપતિનો દાવો

કાબુલ, અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પાસે સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં ૧૩ યુએસ કમાન્ડો સહિત કુલ ૭૨ લોકોના મોત થયા છે. એક અફઘાન અધિકારીએ દાવો કર્યો છે કે, એરપોર્ટ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા ૬૦ અફઘાની માર્યા ગયા છે અને લગભગ ૧૪૩ અન્ય લોકો ઘાયલ થયા છે. જાે કે, ભારતે કાબુલ એરપોર્ટ પર થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટની સખત નિંદા કરી છે.
અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે એક ટિ્વટમાં આઈએસઆઈએસ સાથે તાલિબાનના સંબંધોનો દાવો કર્યો છે. તેમણે કહ્યું, “અમારી પાસેના દરેક પુરાવા દર્શાવે છે કે આઇએસ-કેના મૂળ તાલિબ અને હક્કાની નેટવર્કમાં છે, જે ખાસ કરીને કાબુલમાં સક્રિય છે.” તાલિબાને આઈએસઆઈએસ સાથેના તેના સંબંધોને ફગાવી દીધા છે. જેમ તેણે ક્વેટા શૂરા પર પાકિસ્તાનની લિંકને નકારી હતી.
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે કાબુલ એરપોર્ટ પાસે થયેલા હુમલામાં ૧૩ યુએસ કમાન્ડોના મૃત્યુની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે અમારા સૈનિકોએ હજારો લોકોના જીવ બચાવતા બલિદાન આપ્યા છે. તેમણે ટિ્વટ કર્યું, ‘કાબુલમાં આતંકવાદી હુમલામાં અમેરિકી સૈન્યના ૧૩ સભ્યો માર્યા ગયા. આ બહાદુર સૈનિકો હજારો જીવ બચાવતા મૃત્યુ પામ્યા, તેઓ નાયકો છે. આગળની ટિ્વટમાં તેણે કહ્યું, ‘ડગલસ એમ્હોફ અને હું અમે ગુમાવેલા અમેરિકનોનો શોક વ્યક્ત કરીએ છીએ. અમે હુમલામાં ઘાયલ થયેલા અમેરિકનો માટે પ્રાર્થના કરીએ છીએ. અમે માર્યા ગયેલા અને ઘાયલ થયેલા અફઘાન નાગરિકો માટે પણ દુઃખી છીએ.
કાબુલ એરપોર્ટ પર થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં માર્યા ગયેલા અમેરિકી સૈનિકોના મોત પર અમેરિકાએ શોક વ્યક્ત કર્યો છે અને વ્હાઈટ હાઉસમાં તેમનો ઝંડો અડધી કાઠીએ ફરકાવ્યો છે. પ્રેસ સેક્રેટરીએ જાણકારી આપતા કહ્યું કે, અમેરિકી ફ્લેગને ૩૦ ઓગસ્ટ સુધી અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.કાબુલ એરપોર્ટ પર થયેલા આતંકી હુમલા બાદ અમેરિકા ગુસ્સે ભરાયું છે.
રાષ્ટ્રપતિ જાે બિડેને હુમલા માટે જવાબદાર ઈસ્લામિક સ્ટેટને પરિણામ ભોગવવાની ચેતવણી આપી છે. પોતાના સૈનિકો અને સામાન્ય અફઘાનીઓના મોત પર ભાવુક થયેલા જાે બિડેને કહ્યું કે આઇએસઆઇએસને તેની કિંમત ચૂકવવી પડશે. આ જખમને અમે નહિ ભૂલીએ. અમે એક-એક આતંકીને પકડીને મોતના ઘાટ ઉતારીશું.HS