ઉત્તર પ્રદેશમાં વાયરલથી ૫૦ના મોત: હોસ્પિટલોમાં બેડની તંગી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/08/fever.jpg)
પ્રતિકાત્મક
લોકોને વાયરલ તાવ દૂર કરતા ૧૨થી વધારે દિવસનો સમય લાગે છે,
આગ્રા, પશ્ચિમી ઉત્તરપ્રદેશના અમુક ક્ષેત્રોમાં અત્યારે વાયરલ તાવને કારણે કોહરામ મચી ગયો છે. તાવને કારણે અનેક લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. સ્વાસ્થ્ય વિભાગના સત્તાવાર આંકડા અનુસાર પાછલા એક અઠવાડિયામાં આગ્રા, ફિરોઝાબાદ, મથુરા, મૈનપુરી, એટા અને કાસગંજ જિલ્લામાં ૫૦ લોકોના તાવ, ડીહાઈડ્રેશન અને પ્લેટલેટ કાઉન્ટ એકાએક ઘટી જવાને કારણે મૃત્યુ થયા છે. ચોંકાવનારી વાત એ છે કે મૃતકોમાં ૨૬ બાળકો પણ શામેલ છે.
લોકોને આ વાયરલ તાવ દૂર કરતા ૧૨થી વધારે દિવસનો સમય લાગે છે. આ જ કારણોસર સરકારી હોસ્પિટલોમાં બેડની તંગી સર્જાઈ છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું કે, ઉત્તર પ્રદેશના અમુક વિસ્તારોમાં આ પ્રકારના કેસ સામે આવ્યા છે. ગોંડા, બસ્તી, દેવરિયા, બલિયા, આઝમગઢ, સુલ્તાનપુર, જૌનપુર અને ગાઝીપુરમાં લોકો વાયરસની ચપેટમાં આવી રહ્યા છે.
જાે કે પશ્ચિમી ઉત્તરપ્રદેશના જિલ્લા સૌથી વધારે પ્રભાવિત છે. આ સિવાય આગ્રામાં પણ આ પ્રકારના કેસ જાેવા મળી રહ્યા છે. એડિશનલ ડિરેક્ટર(સ્વાસ્થ્ય) એકે સિંહે કહ્યું કે ગત્ત વર્ષે વાયરલ તાવના કેસ ઘણાં ઓછા સામે આવ્યા હતા, કારણકે લોકો લોકડાઉનને કારણે ઘર પર હતા અને સ્વચ્છતાની પણ જાળવણી કરવામાં આવતી હતી.
ફિરોઝાબાદમાં અત્યાર સુધી સૌથી વધારે ૨૫ લોકોનાં મૃત્યુ થયા છે. ફિરોઝાબાદના સીએમઓ ડોક્ટર નીતા કુલશ્રેષ્ઠએ કહ્યું કે, જે લોકોના વાયરલથી મૃત્યુ થયા છે તેમાંથી એક પણ કોરોના પોઝિટિવ નહોતા. મૃત્યુના કારણોની તપાસ ચાલી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ડોક્ટરો અને સ્વાસ્થ્ય કર્મચારીઓની બાર ટીમો અને તમામ સહાયક નર્સો અને આશા કાર્યકર્તાઓને આ કામમાં જાેડવામાં આવ્યા છે. ડોક્ટરોએ જણાવ્યું કે, આ એક ચિંતાનો વિષય છે.
વાયરલ ફીવરની રિકવરીનો સમય પાંચ-છ દિવસથી વધીને ૧૦-૧૨ દિવસ થઈ ગયો છે. ફિરોઝાબાદ મેડિકલ કોલેજમાં પ્રત્યેક હોસ્પિટલની પથારી પર બે-ત્રણ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના મુખ્ય અધીક્ષક ડોક્ટર હંસરાજ સિંહે કહ્યું કે, આ વાયરલ તાવથી પીડિત ૧૦૦થી વધારે બાળકોની અહીં સારવાર કરવામાં આવી રહી છે.
આગ્રામાં જિલ્લા હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટર એ.કે.અગ્રવાલે કહ્યું કે, અમે દરરોજ વાયરલ તાવના ઓછામાં ઓછા ૨૦૦ દર્દીઓની સારવાર કરી રહ્યા છીએ. પાછલા ત્રણ અઠવાડિયામાં આ સંખ્યા વધી છે. ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ વધારે ખરાબ છે. આગ્રાના તિવાહા ગામના વિમલ મોહન જણાવે છે કે, ગામમાં એક પણ ઘર એવુ નથી જ્યાં કોઈ બીમાર નથી.
પાછલા ૨૪ કલાકમાં ઓછામાં ઓછા ૨૦ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાછલા એક અઠવાડિયામાં ચાર લોકોનાં મોત થયા છે.