Western Times News

Gujarati News

કોરોના બાદની રિકવરીમાં વાળ ખરવાની સમસ્યાઓ વધી

કોવિડમાંથી સાજા થયેલા દર્દીઓ (વિશેષ કરીને બીજી લહેરમાં સંક્રમિત) હવે ટેલોજેન એફ્લુવિયમની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે, જે સામાન્ય ભાષામાં વાળ ખરવા કહેવામાં આવે છે. Loss of ‘Crowning Glory’: A post COVID recovery complication

ટેલોજેન એફ્લુવિયમ શું છે?

ટેલોજેન એફ્લુવિયમ કામચલાઉ ધોરણે મોટી માત્રામાં વાળ ખરવા સાથે સંબંધિત છે, જે મુખ્યત્વે તણાવ, લાંબી બિમારી અથવા દુખદાયી ઘટના બાદ થાય છે. સામાન્ય રીતે તે માથાની ટોચના ભાગમાં થાય છે. ટેલોજેન એફ્લુવિયમમાં ઘણાં મહિનાઓ સુધી વાળ ખરે છે અને નવા વાળને વિકસિત થવામાં લગભગ ત્રણથી છ મહિનાનો સમય લાગે છે.

અપોલો હોસ્પિટલ્સ અમદાવાદના કન્સલ્ટન્ટ ડર્મેટોલોજીસ્ટ ડો. અંશુલ વર્મને કહ્યું હતું કે, દર્દીઓ જબરદસ્ત વાળ ખરવાની સમસ્યા સાથે અમારી પાસે આવે છે. આ પહેલાં એક સપ્તાહમાં આવતા દર્દીઓમાંથી 30-35 ટકા વાળ સંબંધિત સમસ્યાઓ ધરાવતા હતાં,

પરંતુ હવે વાળ ખરવા, વાળ પાતળા થઇ જવા, ટાલ પડવાની સમસ્યા ધરાવતા દર્દીઓની સંખ્યા વધીને 85 ટકા થઇ છે. આ એવાં દર્દીઓ છે કે જેઓ કોવિડની બીજી લહેરમાં સંક્રમિત થયાં હતાં. કોવિડ સંક્રમણ અને તેની સારવારને કારણે તણાવ વધ્યો છે. સ્ટિરોઇડ્સ અને ફેબીફ્લુ લેનાર દર્દીઓને ટેલોજેન એફ્લુવિયમ થવાની શક્યતા વધુ રહે છે.

આ ઉપરાંત હાલમાં ચોમાસાની સિઝનને કારણે પણ વાળ ખરતા હોય છે. જોકે, દર્દીઓએ વધુ સાવચેતી રાખવાની જરૂર છે કારણકે કોવિડ બાદ એલોપેશિયા એરિયાટાથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.

સારવાર અંગે વાત કરતાં ડો. વર્મને કહ્યું હતું કે, ટેલોજેન એફ્લુવિયમ એક સ્વ-નિયંત્રિત પરિસ્થિતિ છે, જેને સામાન્ય થતાં આશરે 6થી9 મહિનાનો સમય લાગે છે. જોકે, વાળ ખરતા રોકવા માટે કેટલીક દવાઓ અને સારવાર ઉપલબ્ધ છે. સૌપ્રથમ વ્યક્તિએ સલ્ફેટ ફ્રી શેમ્પૂનો ઉપયોગ કરવો જોઇએ. મિનોક્સિડિલ સિરમ ઘણી ઉપયોગી રહે છે.

આ ઉપરાંત બાયોટિન, પેપ્ટાઇડ્સ સાથે વિટામીન બી12, વિટામીન ડી3, ઝિંક અને આયર્ન સપ્લીમેન્ટ્સ પણ વાળની વૃદ્ધિ માટે સૂચવવામાં આવે છે. દર્દીની જરૂરિરાયાત અને પરિસ્થિતિ મૂજબ દર્દીને લેસર ટ્રીટમેન્ટ, માઇક્રોનીડલીંગ અને પીઆરપી પણ સૂચવવામાં આવે છે.

કેટલાંક દર્દીઓ કર્ડ હેર માસ્ક અને અર્નિકા આધારિત હેર ઓઇલ જેવી હોમિયોપેથિક સારવારને પણ સારો પ્રતિસાદ આપે છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે વ્યક્તિએ તણાવ ન અનુભવતાં સામાન્ય સ્થિતિમાં પરત ફરવામાં સહયોગ કરવો જરૂરી છે.

કોવિડ બાદની રિકવરીમાં ન્યુટ્રિશન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નારાયણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ન્યુટ્રિશનિસ્ટ ડાયટિશિયન શ્રૃતિ ભારદ્વાજના મત અનુસાર “કોવિડ સંક્રમિત અને રિકવર થયેલાં દર્દીઓએ જીવનશૈલી અને આહાર સંબંધિત કેટલાંક ફેરફાર કરવા જરૂરી છે.

હાઇડ્રેશનની જાળવણી, સોયાબીન, લીલા શાકભાજી, પ્રોટીનથી ભરપૂર આહાર તેમજ દરરોજ થોડાં નટ્સ, કઠોળ, દહીં-પનીર-ચીઝ, સલાડમાં લીંબુ સામેલ કરવા જેવાં પગલાં ભરવાથી કોવિડ બાદ ટેલોજેન એફ્લુવિયમ જેવી સમસ્યાઓને ઘટાડી શકાય છે. આ ઉપરાંત વ્યક્તિએ મેડિટેશન, શ્વાસોચ્છવાસની પ્રક્રિયા, જંક ફુડ ટાળવું તથા પૂરતી ઉંઘ લેવી જોઇએ. ડોક્ટર અથવા ડાયાટિશિયનની સલાહ બાદ જ મલ્ટી વિટામીન લેવા જોઇએ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.