દોહામાં ભારતીય રાજદૂતે તાલિબાન નેતા સાથે મુલાકાત કરી!
નવીદિલ્હી, અફઘાનિસ્તાનથી અમેરિકાના ગયા બાદ ભારતે હવે તાલિબાન સાથે ઔપચારિક વાતચીતની પ્રક્રિયા શરૂ કરી છે. આ ક્રમમાં કતારમાં ભારતના રાજદૂત દીપક મિત્તલ આજે તાલિબાન નેતા શેર મોહમ્મદ સ્ટેનીકઝાઈને મળ્યા. આ બેઠક દોહા સ્થિત ભારતીય દૂતાવાસમાં થઈ હતી. બેઠક માટે ઓફર તાલિબાન તરફથી આવી હતી.
ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે તાલિબાન દ્વારા આ અનુરોધ કરવામાં આવ્યો હતો. બંને પ્રતિનિ૦ધિઓ દોહા સ્થિત ભારતીય દૂતાવાસમાં મળ્યા હતા. આ દરમિયાન અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સલામતી અને તેમના દેશમાં પાછા ફરવા અંગેની ચર્ચા થઈ હતી. મંત્રણામાં ભારતીય રાજદૂતે અફઘાન લઘુમતી જે ભારત આવવા માંગે છે તે મુદ્દે ચર્ચા કરી હતી.
મંત્રાલયે કહ્યું છે કે મિત્તલે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ ભારત વિરુદ્ધ કોઈપણ પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિ માટે ન કરવાનો મુદ્દો ઉઠાવ્યો છે. તે જ સમયે તાલિબાન પ્રતિનિધિએ ખાતરી આપી છે કે આ મુદ્દાઓને હકારાત્મક રીતે ઉકેલવામાં આવશે. આ સાથે જ તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે ભારતને આ ક્ષેત્રમાં મહત્વનો દેશ ગણાવતા સારા સંબંધો બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મુજાહિદે કહ્યું કે ભારત અને પાકિસ્તાને સાથે બેસીને તમામ વિવાદિત મુદ્દાઓ ઉકેલવા જાેઈએ.HS