સિદ્ધાર્થના પરિવારને મળવા ગયેલ ગૌહર આંસુ ન રોકી શકી

મુંબઈ, ગૌહર ખાન, કે જે બિગ બોસ ૧૪માં સિદ્ધાર્થ શુક્લા સાથે તૂફાની સીનિયર બનીને જાેવા મળી હતી, તે જ્યારે દિવંગત એક્ટરના મુંબઈ સ્થિત ઘરે પહોંચી ત્યારે ભાંગી પડી હતી. સિદ્ધાર્થ શુક્લાનું નિધન ૨ સપ્ટેમ્બરે સવારે હાર્ટ અટેક આવતા થયું હતું. બિગ બોસ ૧૩ વિનર સિદ્ધાર્થ શુક્લા, કે જે લાંબા સમય સુધી ચાલેલી સીરિયલ ‘બાલિકા વધૂ’થી ઘર-ઘરમાં જાણીતો થયો હતો તેનું માત્ર ૪૦ વર્ષની ઉંમરે અવસાન થયું હતું. બિગ બોસ ૧૪ના ઘરમાં કેટલાક સમય સાથે રહ્યા બાદ ગૌહર ખાન અને સિદ્ધાર્થ શુક્લા સારા મિત્રો બની ગયા હતા.
એક્ટરના નિધનના સમાચાર મળતા તે મોડી સાંજે તેના પરિવારજનોને સાંત્વના આપવા પહોંચી હતી. આ દરમિયાન તે ઘરે જતી વખતે કારમાં બેસીને રડી પડી હતી. ગૌહર ખાને ગુરુવારે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર સિદ્ધાર્થ શુક્લા સાથેની બિગ બોસ ૧૪ના ઘરમાંથી કેટલીક તસવીરો શેર કરી હતી.
આ સાથે તેણે એક લાંબી નોટ પણ લખી હતી. તેણે લખ્યું હતું ‘દર્શક તરીકે તને જાેવાથી લઈને તને ફ્રેન્ડ બનાવવા સુધી આભાર બિગ બોસ એક હીરા સાથે મારી ઓળખાણ કરાવવા બદલ.
મેં તારી સાથે જે ક્ષણો શેર કરી તેણે મને શીખવ્યું કે તું બાળક જેવો હતો, કુમળા હૃદયનો, કાળજી રાખનારો, પ્રેમાળ, ગેમ જીતવાની વાત આવે ત્યારે જિદ્દી, ગ્રુપમાં સૌથી તોફાની, જ્યારે પોતાની ભૂલ હોય ત્યારે માફી માગનારો, બેસ્ટ હગ આપનારો, પોતિકાપણું દેખાડવા માટે હંમેશા લાડ કરનારો અને હેન્ડસમ હંકની બોડીમાં એક સારો નાનકડો છોકરો.
તારા જીવનની ઘણી બધી સુંદર કહાણીઓ મારી સાથે શેર કરવા બદલ આભાર, તેના થકી તને યાદ કરીશ. ખરેખર ઈચ્છું છું કે, કાશ તારી સાથે વધારે સમય પસાર કરી શકી હોત. તું હંમેશા હસતો રહે તેવી પ્રાર્થના કરીશ.SSS