અંકલેશ્વરમાં ૫ વર્ષનો બાળક ચોથા માળેથી નીચે પટકાયો
અંકલેશ્વર, કહેવાય છે ને કે, રામ રાખે તેને કોણ ચાખે? આવી જ એક ઘટના ભરૂચનાં અંકલેશ્વરમાં બની છે. અંકલેશ્વરમાં શુક્રવારે સવારે ૧૧.૧૫ કલાકની આસપાસ એક બાળક મુળજી કલ્યાણ ટાવરનાં ચોથા માળેથી નીચે પટકાયો હતો. જે બાદ પણ તેનો આબાદ બચાવ થયો છે. બાળકને ૪૦ ફૂટ જેટલું નીચે પડવાને કારણે થોડી ઇજાઓ થઇ છે જેના કારણે હાલ તે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે,અંક્લેશ્વરમાં મુળજી કલ્યાણ ટાવર નામની બહુમાળી બિલ્ડીંગના ચોથા માળે પ્રતિમ શાહનો પરિવાર રહે છે. તેમનો ૫ વર્ષીય પુત્ર સિદ્ધમ શુક્રવારે સવારે ૧૧.૧૫ વાગ્યાના અરસામાં ઘરની ગેલેરીમાં રમી રહ્યો હતો. રમતી વખતે ગેલેરીમાંથી નીચે જાેતા કે અન્ય કોઇ કારણસર તેનું સંતુલન ન રહેતા ગેલેરીમાંથી નીચે પડ્યો હતો.
સદનસીબે તે નીચેના અન્ય ફ્લેટની ગેલેરીને લગાવેલાં પ્લાસ્ટિકની છાજલી પર પડ્યો હતો. તે સમયે તેના હાથમાં ત્યાંથી પસાર થઇ રહેલો કેબલ વાયર આવી જતાં તેણે વાયર પકડી લીધો હતો. જે બાદ તે ત્યાંથી પણ નીચે પડ્યો હતો. વાયર પકડવાને કારણે તેના પડવાની ગતિ ઓછી થઇ હતી. જેના કારણે તેનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાની સાથે આસપાસનાં લોકો તથા પરિવારના લોકો દોડીને આવી ગયા હતા. તાત્કાલિક સારવાર માટે સિદ્ધમને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.
તબીબોના જણાવ્યા પ્રમાણે સિદ્ધમને મોઢા પર તેમજ |શરીરમાં અન્ય ભાગોમાં સામાન્ય ઇજાઓ જ થઇ હતી. આશ્ચર્યજનક રીતે બાળકે મોતને મ્હાત આપતાં પરિવારજનોના જીવમાં જીવ આવ્યો હતો. આ આખી ઘટના ત્યાં નજીકમાં જ લગાવેલાં એક સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. જેમાં તે જમીન પર પટકાતા અને લોકોએ તેને સારવાર માટે લઇ જતાં દેખાયાં હતાં. થોડા દિવસ પહેલા જ રાણીપમાં પણ આવી ઘટના સામે આવી હતી. પરંતુ તેમાં ચાર વર્ષની બાળકીનું દુખદ મોત નીપજ્યું હતું.
રાણીપ વિસ્તારમાં આવેલા સંકલ્પ એપાર્ટમેન્ટમાં સત્યમ રાજપૂત તેમના પરિવાર સાથે રહે છે. તેમની ચાર વર્ષની પુત્રી અવની હતી. શનિવારે બપોરે ઘરમાંથી રમતાં-રમતાં અવની ફ્લેટના ધાબા પર પહોંચી ગઈ હતી. ધાબા પર જઈ અને રમતા રમતા અચાનક નીચે પડી હતી. જેથી ફ્લેટના આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. માતા-પિતા પણ દોડી આવતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું મોત થયું હતું.SSS