Western Times News

Gujarati News

યુ.એસ.ના મુંબઇ સ્થિત કોન્સ્યુલ જનરલ કગને મુખ્યમંત્રીની સૌજન્ય મૂલાકાત લીધી

રાજ્ય સરકારની પારદર્શીતા-ત્વરિત નિર્ણાયકતા માટે સરાહના કરી

વાયબ્રન્ટ સમિટ-ર૦ર૧માં યુ.એસ.એ.ની વધુ ઉત્કૃષ્ટ સહભાગીતાની અપેક્ષા  વ્યકત કરતા મુખ્યમંત્રી

ટેકનોલોજી-ટેકનીકલ સર્વિસીસ-ડિફેન્સ અને હેલ્થકેર સેકટર્સમાં  યુ.એસ.એ. દ્વારા વધુ રોકાણો પ્રેરિત કરવા અનુરોધ   

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની સૌજન્ય શુભેચ્છા મૂલાકાત યુ.એસ.ના મુંબઇ સ્થિત કોન્સ્યુલ જનરલ શ્રીયુત એડવર્ડ કગન Edward Kaganને ગાંધીનગરમાં લઇને તાજેતરની લોકસભા ચૂંટણીમાં ભાજપાના વિજય માટે અભિનંદન પાઠવ્યા હતા.  શ્રીયુત કગન જુલાઇ-ર૦૧૯ના અંતમાં તેમનો વર્તમાન પદભાર છોડીને ઓગષ્ટ-ર૦૧૯માં નવી દિલ્હી ખાતે ડેપ્યુટી ચીફ મિશનની જવાબદારીઓ સંભાળવાના છે.

આ સંદર્ભમાં તેમણે વર્તમાન પદભાર છોડતા પૂર્વે મુખ્યમંત્રીશ્રી સાથે શુભેચ્છા મૂલાકાત કરીને ગુજરાત સરકારની પારદર્શીતા અને વહીવટી પ્રક્રિયામાં ત્વરિત નિર્ણાયકતા માટે મુખ્યમંત્રીશ્રીની પ્રસંશા કરી હતી. મુખ્યમંત્રીશ્રી સાથેની આ મૂલાકાત દરમ્યાન શ્રીયુત કગને ગુજરાતના બે વૈશ્વિક પ્રવાસન આકર્ષણ રૂપ કચ્છના સફેદ રણ અને એશિયાટીક લાયનના સ્થળ ગીરના પ્રવાસન ધામોની મૂલાકાત માટે ઇચ્છા વ્યકત કરી હતી.

તેમણે ગુજરાતમાંથી વધુને વધુ યુવાનો યુ.એસ.એ.માં ઉચ્ચ અભ્યાસ માટે આવે તેવી પણ તત્પરતા દર્શાવી હતી.  યુ.એસ. કોન્સ્યુલ જનરલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તેમને મુંબઇના કાર્યકાળ દરમ્યાન આપેલ સહયોગ અને સહકાર માટે આભારની લાગણી પ્રદર્શિત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ પણ તાજેતરની વાયબ્રન્ટ સમિટમાં યુ.એસ.એ.ની સહભાગીતાથી દ્વિપક્ષીય સંબંધોમાં વધુ સુદ્રઢતા આવી છે તેમ જણાવ્યું હતું. યુનાઇટેડ સ્ટેટસ ઇન્ડીયા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમ અને યુ.એસ.-ઇન્ડીયા બિઝનેસ કાઉન્સીલના ઉપક્રમે ર૦૧૯ વાયબ્રન્ટમાં યુ.એસ.ની સહભાગીતા જેમ જ ર૦ર૧ના આગામી વાયબ્રન્ટમાં વધુ ઉત્કૃષ્ટ ભાગીદારીની અપેક્ષા તેમણે વ્યકત કરી હતી.

શ્રી વિજયભાઇ રૂપાણીએ ટેકનોલોજી, ટેકનીકલ સર્વિસીસ, ડિફેન્સ અને હેલ્થકેર વગેરે ક્ષેત્રોમાં યુ.એસ.એ. દ્વારા વધુ રોકાણો પ્રેરિત થાય તે માટે પણ આ મૂલાકાત દરમ્યાન અનુરોધ કર્યો હતો.  આ સૌજન્ય મૂલાકાત દરમ્યાન મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ સહિત વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.