મમતા ભવાનીપુર બેઠક પરથી ઉમેદવારી નોંધાવે એવી શક્યતા

કોલકતા, ભાજપના વિરોધ વચ્ચે કેન્દ્રીય ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ત્રણ બેઠકોની પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દેતાં મમતા બેનરજીએ રાહતનો શ્વાસ લીધો છે. ભવાનીપુર, સમશેરગંજ અને જાંગીરપુરએ ત્રણ બેઠકો પર ૩૦ સપ્ટેમ્બરે ચૂંટણી થશે જ્યારે ૩ ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.
મમતા કોલકાત્તાની ભવાનીપુર બેઠક પરથી ઉમેદવારી નોંધાવે એવી શક્યતા છે. મમતા નંદીગ્રામમાં શુભેન્દુ અધિકાર સામે હારી જતાં વિધાનસભાનાં સભ્ય નથી. મુખ્યમંત્રીપદે ચાલુ રહેવા તેમણે છ મહિનામાં વિધાનસભામાં ચૂંટાવું પડે પણ ભાજપના દબાણના કારણે ચૂંટણી પંચ પેટાચૂંટણી માટે તૈયાર ના થતાં મમતાએ રાજીનામું ધરી દેવું પડે એવા સંજાેગો પેદા થશે એવી આશંકા વ્યક્ત કરાતી હતી.
પેટાચૂંટણીની જાહેરાત થતાં મમતા રાજીનામું આપવામાંથી બચી ગયાં છે. રાજકીય વિશ્લેષકોના મતે, બંગાળમાં પેટાચૂંટણીની જાહેરાતથી સ્પષ્ટ છે કે ભાજપે મમતા સામે શરણાગતિ સ્વીકારી છે. પંચે દેશમાં બીજી ૩૧ બેઠકો પર કોરોનાના કારણે પેટાચૂંટણી નહીં કરવાનું એલાન કર્યું છે તેનો અર્થ એ થાય કે, કેન્દ્રના ઈશારે પંચ દ્વારા આ ર્નિણય લેવાયો છે.HS