Western Times News

Gujarati News

કોવિડ કેસોમાં ભારે ઘટાડો, ૨૪ કલાકમાં ૩૧૨૨૨ નવા કેસ

નવી દિલ્હી, ભારતમાં કોરોના વેક્સીનેશન અભિયાન વેગવંતુ બન્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧ કરોડ ૧૩ લાખથી વધુ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી છે. બીજી તરફ, સંક્રમણનું જાેર પણ થોડું ઘટ્યું હોય એવું લાગી રહ્યું છે. એક દિવસમાં ૩૧ હજાર જેટલા લોકો સંક્રમિત થયા છે, જ્યારે મૃત્યુઆંક ૩૦૦ની નીચે નોંધાયો છે. નિપાહ વાયરસના ખતરાની વચ્ચે કેરળમાં કોરોનાના કેસોમાં મોટો ઘટાડો નોંધાતા ૧૯ હજાર નવા કેસ સામે આવ્યા છે.

મહારાષ્ટ્રમાં પણ સંક્રમિત લોકોની સંખ્યા ૪ હજારથી નીચે નોંધાઈ છે. આ ઉપરાંત ગુજરાતની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં ૧૯ લોકો સંક્રમિત થયા છે. મંગળવાર સવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૧,૨૨૨ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે.

આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૨૯૦ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. મોતનો આંકડો ૧૪૭ દિવસનો સૌથી ઓછો છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૩૦,૫૮,૮૪૩ થઈ ગઈ છે.

બીજી તરફ, દેશમાં કુલ ૬૯,૯૦,૬૨,૭૭૬ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૧૩,૫૩,૫૭૧ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, કોવિડ-૧૯ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૨૨ લાખ ૨૪ હજાર ૯૩૭ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે.

૨૪ કલાકમાં ૪૨,૯૪૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ ૯૭.૫૦ ટકા છે. હાલમાં ૩,૯૨,૮૬૪ એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૪,૪૧,૦૪૨ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૬ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૩,૩૧,૮૯,૩૪૮ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. સોમવારના ૨૪ કલાકમાં ૧૫,૨૬,૦૫૬ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કોરોનાના નવા કેસોની સંખ્યા ૨૦ની નજીક પહોંચી ગઈ છે.

છેલ્લા ૨૪ કલાકમાં ૧૯ કેસ નોંધાયા છે. તેની સામે ૧૩ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૮,૧૫,૨૭૫ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યનો રીકવરી રેટ ૯૮.૭૬ ટકા છે. રાજ્યમાં કુલ ૧૫૨ એક્ટિવ કેસ છે. જેમાંથી ૦૭ દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે ૧૪૫ સ્ટેબલ છે.

અત્યાર સુધીમાં કોરોનાથી કુલ ૧૦,૦૮૨ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં રસીકરણની વાત કરીએ તો સોમવારે ૬,૦૧,૨૫૪ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં ૪,૯૭,૦૪,૭૦૭ લોકોને રસી આપવામાં આવી છે. સોમવારે અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ ૪ લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આ પછી વડોદરા કોર્પોરેશનમાં ૪ લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.