રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસના કારણે એક વૃદ્ધે આપઘાત કરી લીધો
રાજકોટ, રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે આર્થિક સંકડામણમાં આવેલા લોકોએ આપઘાત કર્યો હોય તેવી ઘટનાઓ સામે આવે છે. તો બીજી તરફ કોરોનાની મહામારી વચ્ચે આપઘાતના કિસ્સાઓમાં વધારો થયો છે. ત્યારે રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસના કારણે એક વૃદ્ધે આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પહેલા વૃદ્ધે વ્યાજખોરો તેને કઈ રીતે હેરાન-પરેશાન કરતા હતા તે તમામ બાબતોનો ઉલ્લેખ એક સ્યૂસાઈડ નોટમાં કર્યો હતો.
રિપોર્ટ અનુસાર રાજકોટના વીરપુરના પીઠડીયા ગામમાં એક વૃદ્ધ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ ગામના લોકોએ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને પોલીસે મૃતદેહનો કબજાે લઇને તપાસ શરૂ કરી હતી. પોલીસે મૃતદેહની તપાસ કરતા આ વૃદ્ધ વ્યક્તિનું નામ ભીખા મોલિયા હોવાનું સામે આવ્યું હતું.
આ ઉપરાંત તેની પાસેથી એક સ્યૂસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેને વ્યાજખોરોના ત્રાસના કારણે આપઘાત કર્યો હોવાનું લખ્યું હતું. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આપઘાત કરનાર ભીખા મોલિયા જસદણમાં પરિવારની સાથે રહે છે અને તે વેપાર કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે.
પોલીસને સ્યૂસાઈડ નોટ પરથી જાણવા મળ્યું હતું કે, આપઘાત કરનાર ભીખા મોલિયા એ પૈસાની જરૂર પડતા જસદણમાં રહેતા દિલીપ નામના ઈસમ પાસેથી પૈસા લીધા હતા. પૈસા લેતા સમયે ભીખા મોલિયાએ દિલીપને કોરો ચેક આપ્યો હતો.
ભીખા મોલિયા એ ૪ લાખ રૂપિયા લીધા બાદ તેમને આ પૈસા વ્યાજખોરને વ્યાજ સહિત પરત કરી દીધા હતા. છતાં પણ દિલીપ ભીખા મોલિયા ના દિકરાની દુકાન પર જઈને કહેતો હતો કે, તારા પિતાએ મારી પાસેથી ૮ લાખ રૂપિયા લીધા છે. તો બીજી તરફ દિલીપ ભીખા મોલિયાને ધમકી આપતો હતો કે, તમે મારી પાસેથી ૪૦ લાખ રૂપિયા લીધા છે, તે મને પરત આપી દો. દિલીપના ત્રાસના કારણે ભીખા મોલિયા ૮ વર્ષથી અલગ-અલગ શહેરોમાં છુપાઈને રહેતા હતા અને અંતે વ્યાજખોરોનો ત્રાસ નહીં સહન થતા તેમને ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો.
એવું પણ જાણવા મળ્યું હતું કે, વ્યાજખોર દિલીપ જસદણના વિછીયા રોડ પર રહે છે અને તે વ્યાજ વટાવના ધંધો કરે છે. દિલીપ લોકોને વ્યાજે પૈસા આપે છે અને તે લોકો પાસેથી ૫%થી લઈને ૧૫% સુધીનું વ્યાજ તેની પાસે વસૂલે છે. જ્યારે દિલીપ પૈસા આપે છે ત્યારે પૈસા લેનાર વ્યક્તિ પાસેથી ચેક સહિત અનેક શરતો મૂકે છે અને જાે પૈસા લેનાર વ્યક્તિ વ્યાજ સમયસર ન આવે તો તેની પેનલ્ટી પણ દિલીપ વસૂલે છે. સાથે એવી પણ માહિતી મળી હતી કે, દિલીપ નાના લોકોને વ્યાજે પૈસા આપવા માટે એક બુક રાખે છે અને તેમની પાસેથી રોજેરોજનું વ્યાજ વસૂલે છે અને વ્યાજ ૧૦ ટકા કરતાં પણ વધુ હોય છે.
આ દિલીપના ચક્કરમાં આવીને વૃદ્ધે તેમનો જીવ ગુમાવ્યો છે. મહત્ત્વની વાત છે કે, ૨૦૧૩માં વ્યાજખોર દિલીપ સામે એક વ્યક્તિએ વ્યાજની કડક ઉઘરાણી મામલે ફરિયાદ નોંધાવી હતી. હવે જાેવાનું એ રહે છે કે, દિલીપ સામે હવે પોલીસ દ્વારા તેવી કાર્યવાહી કરવામાં આવે છે.HS