Western Times News

Gujarati News

ગુજરાતમાં મોંઘવારીના માર વચ્ચે મંત્રીઓનું ૧૨ હજાર તો ધારાસભ્યોનું ૧૪ હજાર મોંઘવારી ભથ્થું વધશે

ગાંધીનગર, તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. નાણામંત્રી નીતિન પટેલે ગુજરાતના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે.

સરકારે કરેલા મોંઘવારી ભથ્થાના ૧૧ ટકાના વધારા બાદ હવે સરકારી કર્મચારીઓને ૨૮ ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવશે. આ જાહેરાત બાદ હવે મંત્રીઓ તેમજ ધારાસભ્યોના પગારમાં પણ તોતિંગ વધારો થશે. રાજ્યના મંત્રીઓને ઓક્ટોબર મહિનાથી રૂ. ૧.૪૬ લાખ તો ધારાસભ્યોને રૂ.૧.૨૮ લાખ રૂપિયા મળશે. તો આજે આ અહેવાલના માધ્યમથી જાણીશું કે દેશમાં અન્ય રાજ્યોમાં કેટલું મોંઘવારી ભથ્થું મળે છે અને ગુજરાત એમાં કયા નંબર પર આવે છે.

કોરોનાકાળ બાદ એક તરફ મોંઘવારી, પેટ્રોલ-ડીઝલના ભાવવધારા અને ખેડૂતોની દયનીય સ્થિતિ વચ્ચે ગુજરાતના ધારાસભ્યોના પગારમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના ધારાસભ્યોનો હાલનો પગાર ૧.૧૬ લાખ રૂપિયા છે, જે ઓક્ટોબરમાં ૧૧ ટકા એટલે કે ૧૨,૭૬૦ના વધારા સાથે ૧.૨૮ લાખ રૂપિયા થશે, જ્યારે મંત્રીઓના પગારની વાત કરીએ તો, હાલ મળી રહેલા ૧.૩૨ લાખ રૂપિયામાં ૧૧ ટકા એટલે કે ૧૪,૫૨૦ના વધારા બાદ હવે ૧.૪૬ લાખ રૂપિયાની આસપાસ પગાર મળશે.

દેશભરના ટોપ-૧૦ રાજ્યની વાત કરીએ તો સૌથી વધુ મોંઘવારી ભથ્થું આપનાર રાજ્ય તેલંગાણા છે. અહીંના ધારાસભ્યોનો પગાર મહિને ૨.૫૦ લાખ રૂપિયાની આસપાસ છે, જેમાં રૂ.૨૦,૦૦૦ પગાર અને ૨.૩૦ લાખ રૂપિયા મોંઘવારી ભથ્થું મળે છે. ત્યાર બાદ બીજા નંબરે ઉત્તરાખંડ આવે છે.

અહીંના ધારાસભ્યોને મહિને ૧,૯૮,૦૦૦ રૂપિયા મળે છે, જેમાં ૩૦ હજાર રૂપિયા પગાર અને ૧.૬૮ લાખ રૂપિયા મોંઘવારી ભથ્થું મળે છે. આ લિસ્ટમાં ગુજરાત ૮મા નંબર પર આવે છે. અહીંના ધારાસભ્યોને મહિને ૧.૧૬ લાખ રૂપિયાની આસપાસ મળે છે, જેમાં તેમનો પગાર ૭૮,૦૦૦, જ્યારે ૨૭ હજાર રૂપિયા મોંઘવારી ભથ્થું મળે છે. વર્ષ ૨૦૧૮માં ગુજરાત વિધાનસભામાં ગુજરાત સરકારે મુખ્યમંત્રી, મંત્રીઓ, તમામ ધારાસભ્યોના પગારમાં ૬૫ ટકાનો તગડો વધારો કર્યો હતો.

ગુજરાત વિધાનસભામાં એમએલએના પગારમાં સુધારો કરતું વિધેયક પસાર કરાયું હતું. રાજ્યના ધારાસભ્યોનાં પગાર-ભથ્થા ૭૦,૭૨૭થી વધારીને ૧,૧૬,૩૧૬ અને મંત્રીઓનાં પગાર-ભથ્થામાં ૪૫ હજારનો વધારો કરી ૮૭ હજારમાંથી ૧ લાખ ૩૨ હજાર કરવામાં આવ્યો હતો. આ પગાર વધારા બાદ પ્રજા પર વધુ એક બોજ ઝીંકવામાં આવ્યો હતો.

૧૯ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ ધારાસભ્યો-મંત્રીઓનાં પગાર-ભથ્થામાં વધારો થયા બાદ ૮ મહાનગરપાલિકાના કોર્પોરેટરોનાં પણ પગાર-ભથ્થા વધારવામાં આવ્યાં હતાં. ૧ એપ્રિલ ૨૦૧૮ની અસરથી અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાના કોર્પોરેટરને માસિક ૧૨૦૦૦ માનદ વેતન, મીટિંગ ભથ્થું મહિને ૫૦૦, ટેલિફોન એલાઉન્સ મહિને ૧૦૦૦ અને સ્ટેશનરી એલાઉન્સ ૧૫૦૦ કર્યા હતા, એટલે કે પગાર-ભથ્થા પેટે મહિને ૧૫,૦૦૦ મળે છે. જામનગર, જૂનાગઢ, ગાંધીનગર અને ભાવનગરના કોર્પોરેટરોને માસિક ૭૦૦૦ માનદ વેતન, ૫૦૦ મીટિંગ ભથ્થું, ૧૦૦૦ ટેલિફોન બિલના અને ૧૫૦૦ સ્ટેશનરી એલાવન્સ આપવાનો ર્નિણય કર્યો હતો, એટલે મહિને પગાર-ભથ્થા પેટે ૧૦,૦૦૦ મળે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.