પર્યુષણ પર્વનો આઠમો દિવસ – સંવત્સરી એટલે ક્ષમા માંગવાનો દિવસ
ક્ષમા વીરસ્ય ભૂષણમ્. જે વીર હોય એમને જ ક્ષમા આપવાનો અધિકાર છે. કાયરની ક્ષમા એ ક્ષમા નથો પણ નિર્બળતાની નિશાની છે. ક્રોધનાં કડવા ફળ હોય છે એમ જ્ઞાનીઓ કહે છે. જૈન ધર્મમાં સંવત્સરી પર્વ એ મહાપર્વ ગણાય છે. આરાધકો સાયંકાળે લગભગ ત્રણ કલાકનું સાંવત્સરિક પ્રતિક્રમણ કરે છે, જેમાં વર્ષભરમાં કરેલા અનેક પાપોનું પ્રાયશ્ચિત કરે છે.
ભૂલોનો પસ્તાવો કરી મિચ્છા-મિ-દુક્કડમ્ એ સૂત્રો ક્ષમા માગે છે. જ્યાં સુધી છદ્મસ્થ દશા છે ત્યાં સુધી બૂલો અવશ્ય સંભવે છે અને જ્યાં સુધી ભૂલો સંભવે છે ત્યાં સુધી ભૂલોના પ્રાયશ્ચિતરૂપ પ્રતિક્રમણની આવશ્યકતા છે. અર્થાત્ પાપદોષોથી મલિન થયેલા જીવની શુદ્ધિ માટે મહાજ્ઞાનીઓએ પ્રતિક્રમણ અનુષ્ઠાન બતાવેલું છે.
ભગવાન મહાવીર સ્વામોએ પ્રરૂપેલા ધર્મમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર્ય તથા તપ એ મુખ્ય છે. ધર્મધ્યાન, સાધના, સેવા-પૂજા, આધ્યાત્મિક ક્રિયાકાંડો, વ્રતો ઉપવાસ, આયંબીલ, ઉપધાન તપ, વર્ધમાન તપ, વીસ સ્થાનક ઓળી તપ વગેરેનો અર્ક તથા રસ-કસ એ આ સંવત્સરી છે. મહાવીર સ્વામી સ્વયં ક્ષમાના સાગર હતા.
એમના ઉપર અનેક વિઘ્નો ઉપસર્ગો આવ્યા છતાં તેઓ સર્વે જીવો પ્રત્યે વાત્સલ્યભાવે જ રહેતા હતા. ચંડકોશિયા મહાનાગે એમને અનેક ડંખ માર્યા છતાં તેઓ ક્ષમાવાન જ રહ્યા. તેઓ વિતરાગ અને સર્વજ્ઞા ભગવંત હતા. એમના પ્રમુખ શિષ્ય ગણધર ગૌતમ સ્વામી પ્રત્યે એમને રાગ ન હતો, જ્યારે ચંડકોશિયા મહાસાપ પ્રત્યે દ્વેષ ન હતો.
સર્વ જીવ-માત્ર પ્રત્યે કરુણા અને દયાની ભાવના એ આ મહાન સંવત્સરી પર્વની સાચી શીખ છે. માનવમાત્ર જાણે કે અજાણે ભૂલ, અપરાધ કે પાપ કરતો રહેતો હોય છે.
વિરુ મેલા કપડાં સાબુથો સાફ થાય. અસાધ્ય રોગ હોય તો પણ દવા – ઓપરેશનથો દૂર થઈ શકે. પાપના નિવારણ માટે કોઈ દવા કે ઓપરેશન નથી. પાપના નિવારણ માટે પસ્તાવો કે પ્રાયશ્ચિત સિવાય અન્ય કોઈ ઔષધ નથી. ભલભલા પાપનું નિવારણ એકમાત્ર અંતઃકરણપૂર્વક કરેલી ક્ષમાયાચના કે પ્રાયશ્ચિતથો થઈ શકે છે.
જૈનોનો આ મહામંત્ર ફક્ત શ્રાવકો પૂરતો સીમિત નથશે. આ મંત્ર માનવ માત્ર માટે છે. મિચ્છા-મિ-દુક્કડમ્ મહામંત્ર ફક્ત વર્ષમાં એક જ દિવસ ઉપયોગમાં લેવા માટેનો મંત્ર નથી. માનવ માત્ર જ્યારે જ્યારે કોઈનો અપરાધ કે પાપ કરે ત્યારે મિચ્છા-મિ-દુક્કડમ્ મહામંત્રને હૃદયમાં રાખી દિલના શુદ્ધ ભાવો ક્ષમાયાચના કરે તો જીવનમાં થતાં અન્ય અપરાધો કે પાપથી બચી શકે. લેખક શ્રી અતુલકુમાર વ્રજલાલ શાહ (સીએ)