અમદાવાદમાં ફરી દરરોજના ૧૫ હજાર રોપા વવાઇ રહ્યા છે
૧૩.૪૦ લાખ રોપાના લક્ષ્યાંક સામે ૮.૯૪ લાખ રોપા વવાયા ઃ એએમસી સેવા એપથી ૫૪ હજાર રોપાનું વાવેતર થયું
અમદાવાદ, મ્યુનિ. તંત્ર દ્વારા આ ચોમાસામાં પણ મિશન મિલિયન ટ્રી હાથ ધરાયુ છે. ભાજપના ૧૫૯ કોર્પોરેટરોએ પણ પહેલી વખત તેમના વાર્ષિક બજેટમાંથી ટ્રી ગાર્ડ માટે એક લાખની ગ્રાંટ પ્રમાણે ૧.૫૯ કરોડ ફાળવ્યા છે. જાેકે તંત્રના મિશન મિલિયન ટ્રીને વરસાદ રિસાઇ જવાથી ભારે ફટકો પડ્યો હતો.
અગાઉ દરરોજ ઝોન દીઠ બે હજાર રોપા પ્રમાણે શહેરમાં અંદાજે ૧૫ હજાર રોપા વવાતા હતા, પરંતુ છેલ્લા એક મહિનામાં વરસાદના અભાવે શહેરમાં માંડ ૫૦ ટકા રોપા વવાયા હતા. જાેકે હવે વરસાદનાં આગમનથી સત્તાવાળાઓ પણ આનંદથી ઝૂમી ઊઠ્યા છે.
પરિણામે પહેલાની જેમ શહેરમાં પંદર હજાર રોપા વવાઇ રહ્યા હોઇ તંત્ર દ્વારા ગ્રીન સિટી અમદાવાદ કહો કે હરિયાળા અમદાવાદના સંકલ્પને સાકાર કરવાની દિશામાં પુનઃ આગેકૂચ કરાઇ રહી છે.
અમદાવાદમાં આ ચોમાસામાં કુલ ૧૩.૪૦ લાખ રોપા વાવવાનો લક્ષ્યાંક મ્યુનિ. બાગ બગીચા વિભાગ દ્વારા રખાયો છે. તેની સામે ગઇ કાલની સ્થિતિમાં શહેરમાં ૮.૯૪ લાખ રોપા વવાયા છે. તેમાં પણ પૂર્વ ઝોનમાં સૌથી વધુ ૨.૪૦ લાખથી વધુ રોપા વવાઇ ચૂક્યા છે, જ્યારે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૧.૫૦ લાખથી વધારે અને પશ્ચિમ ઝોનમાં એક લાખથી વધારે રોપાનું વાવેતર થઇ ચૂક્યું છે.
અત્યારે જે રોપાનું વાવેતર કરાયુ છે તેમાં માત્ર ૨૦ ટકા રોપા એક અથવા બીજા કારણસર નાશ પામી રહ્યા છે. તેવો સત્તાવાળાઓનો દાવો છે એટલે કે બીજા અર્થમાં રોપાનો ૮૦ ટકા જેટલો ઊંચો સર્વાઇવલ રેટ છે.
સત્તાધીશો દ્વારા છોડમાં રણછોડની નીતિ મુજબ શહેરના ગોતા વિસ્તારમાં સ્મૃતિ વનને આકાર કરાઇ રહ્યું છે. આ સ્મૃતિ વન ખાતે આશરે ૬૫ હજાર રોપા વવાયા છે. લગભગ ૪૦ હજાર વારના વિશાળ પ્લોટને ૨૮થી ૩૦ ભાગમાં વહેંચી કઢાયો હોઇ તેમાં આઠ ફૂટના અંતરે ૪૦ હજાર રોપાનું વાવેતર કરાયું છે.
આ ઉપરાંત એએમસી સેવા એપ સમક્ષ અત્યાર સુધીમાં છ હજારથી વધુ નાગરિકો, સોસાયટીઓ, કોર્પોરેટ હાઉસ તેમજ સંસ્થાઓ દ્વારા વિવિધ વૃક્ષોના રોપાની માગણી કરાઇ છે, જે અંતર્ગત કુલ ૫૪ હજાર રોપા વવાઇ ચૂક્યા હોઇ માત્ર છ હજાર રોપા જ વાવવાના બાકી છે.
તંત્રને પાંચ હજારથી વધુ નાગરિકો, ૫૦૦ સોસાયટીઓ, ૫૦ કોર્પોરેટ હાઉસ અને ૨૦૦ સંસ્થાઓે એએમસી સેવા એપથી રોપાની માગણી કરી હોઇ તંત્ર દ્વારા વડ, પીપળો સહિત કુલ ૨૧ જાતના વૃક્ષના રોપા પૂરા પડાઇ રહ્યા છે, જે હેઠળ તમામ નાગરિકને પાંચ અને સંસ્થાને ૫૦ રોપા અપાઇ રહ્યા છે.
મ્યુનિ. બાગ બગીચા વિભાગના કર્મચારી ઘેર આવીને રોપા વાવી રહ્યા છે. અત્યારે તો આપણા અમદાવાદની ધરા ચોમાસામાં લીલીછમ થાય તો તંત્રના પ્રયાસો સાર્થક લેખાશે.