પ્રાકૃતિક કૃષિના માધ્યમથી ક્રાંતિકારી પરિવર્તન આવશે : રાજ્યપાલશ્રી

મંત્રીશ્રીઓ પોતાના વિસ્તારમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત કરે – રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત
પ્રાકૃતિક કૃષિ અપનાવી પ્રજાને સ્વાસ્થ્યપ્રદ આહાર ઉપ્લબ્ધ બનાવવાની અપીલ કરતા રાજ્યપાલશ્રી
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને મંત્રીમંડળના સદસ્યોની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ અંગે વિચારગોષ્ઠીમાં માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિના માધ્યમથી દેશમાં ક્રાંતિકારી પરિવર્તન આવશે.
રાજ્યપાલશ્રીએ રાજભવન, ગાંધીનગર ખાતે યોજેલી વિચારગોષ્ઠીમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મંત્રીમંડળના તમામ સભ્યો સજોડે ઉપસ્થિત રહ્યા હતા. અને રાજ્યમાં પ્રાકૃતિક કૃષિના જનઅભિયાન સંદર્ભે વિચારગોષ્ઠીમાં સહભાગી થયા હતા.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કર્મઠ નેતૃત્વમાં રાજ્ય સરકારના સહયોગથી રાજ્યમાં બે લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિના અભિયાનમાં જોડાયા છે, ત્યારે મંત્રીશ્રીઓ પણ પોતાના વિસ્તારમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કરે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે , પ્રાકૃતિક કૃષિથી જળ-જમીન અને પર્યાવરણની સુરક્ષા થશે. દેશી ગાયનું જતન-સંવર્ધન થશે, કૃષિ-ખર્ચ ઘટશે અને ઉત્પાદનોની યોગ્ય કિંમત મળતા ખેડૂતોની આર્થિક સ્થિતિ સમૃદ્ધ બનશે, જમીનની ફળદ્રુપતા વધશે અને પાણીની બચત થશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી રાસાયણિક ખાતરો પાછળની સબસીડી ઘટશે એટલું જ નહીં લોકોને ઝેરમુક્ત સ્વાસ્થ્યપ્રદ આહાર પણ ઉપ્લબ્ધ બનશે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યુ હતું કે, પદ્મશ્રી સુભાષ પાલેકર પ્રેરિત પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયના છાણ-ગૌમૂત્ર, બેસન, ગોળ અને માટીની મદદથી તૈયાર થતા જીવામૃત અને ઘન જીવામૃત પ્રાકૃતિક ખાતરનું કાર્ય કરે છે. અને અળસિયાં જેવા મિત્રો જીવોની પણ વૃદ્ધિ કરે છે. સરવાળે ખેતરના પાકને પૂરતું પોષણ મળે છે અને ઉત્પાદન વધે છે.
રાજ્યપાલશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાત દેશભરમાં મોડલ સ્ટેટ બની પ્રેરણારુપ કાર્ય કરશે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ડાંગ જિલ્લાને સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ આધારિત જિલ્લો જાહેર કરવાનો સંકલ્પ લીધો છે. એટલું જ નહીં ગાંધીનગર ખાતે સેક્ટર -21 શાક-માર્કેટમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ માટેનું કેન્દ્ર પણ શરુ કરાયું છે. અને રાજ્યના પ્રત્યેક જિલ્લા મથકે આવા વેચાણ કેન્દ્રો ઉભઆ કરાશે, જેથી ખેડૂતોને માર્કેટ મળી રહેશે.
આ વિચારગોષ્ઠીમાં મુખ્યમંત્રીશ્રી સહિત મંત્રીમંડળના તમામ સદસ્યો ધર્મપત્નિ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને વિચારગોષ્ઠીમાં સહભાગી બન્યા હતા. આ પ્રસંગે મંત્રીશ્રીઓએ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના પ્રદર્શનને પણ નીહાળ્યું હતું અને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનો સ્વાદ પણ માણ્યો હતો.