સારસા ડુંગરનો મેળો સતત બીજા વર્ષે પણ બંધ રહેશે

(પ્રતિનિધિ ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક આવેલ સારસા ડુંગરનો મેળો ચાલુ સાલે નહિ ભરાય.રાજપારડી ગ્રામ પંચાયતની એક યાદીમાં જણાવાયા મુજબ હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીને લઈને ગ્રામ પંચાયત દ્વારા મેળો બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ સારસા માતાના ડુંગરનો મેળો કોરોના અંતર્ગત બંધ રાખવામાં આવ્યો હતો.રાજપારડી થી નેત્રંગ જવાના મર્ગ પર ત્રણ કિલોમીટર જેટલા અંતરે આવેલ સારસા માતાના ડુંગર પર આજુબાજુના વિસ્તારમાંથી શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે.
રાજપારડી નગરમાં દરવર્ષે સામા પાંચમના દિવસે સારસા માતાનો ભવ્ય મેળો વર્ષોથી ભરાય છે. રાજપારડીથી થોડે દુર સારસા માતાનું મંદિર પણ આવેલુ છે. સારસા માતાના ડુંગરની ઝઘડીયા તાલુકાના મહત્વના ધાર્મિક સ્થળોમાં ગણતરી થાય છે.રાજપારડી નજીકના સારસા ગામનુ નામ સારસા માતાના નામ પરથી પડ્યુ હશે એમ મનાય છે.
વર્ષોથી રાજપારડી ગામે ચાર રસ્તાની આજુબાજુના વિસ્તારોમાં મેળાના દિવસે વિવિધ ચીજવસ્તુઓના વેપારીઓ પોતાના સ્ટોલ જમાવી ચીજવસ્તુઓનું વેચાણ કરતા હોય છે.હાલમાં કોરોના મહામારી ચાલી રહી હોવાથી મેળામાં ઉમટનાર મોટા માનવમહેરામણને લઈને કોરોના સંક્રમણ વધી શકે તેવી દહેશત
હોવાથી ગ્રામ પંચાયત દ્વારા મેળો બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો હોવાનું રાજપારડીના કાર્યકારી સરપંચ પી.સી.પટેલ અને રાજપારડી પીએસઆઈ જે.બી.જાદવે જણાવ્યુ હતુ.આમ પ્રવર્તમાન કોરોના મહામારીને લઇને સતત બીજા વર્ષે સારસા માતાના ડુંગરનો મેળો નહિ ભરાય.જાહેર જનતા ઉપરાંત મેળામાં ધંધો કરવા આવતા બહારના તેમજ સ્થાનિક વેપારીઓને આ બાબતની નોંધ લેવા જણાવાયુ છે.