ભારત અફઘાન લોકોની મદદે હંમેશા ઊભું રહેશે: ભારતીય વિદેશમંત્રી

નવીદિલ્હી, સંયુક્ત રાષ્ટ્રની એક હાઇ લેવલ મિટિંગમાં અફઘાનિસ્તાન સંકટ પર વાત કરતાં ભારતના વિદેશ મંત્રી જયશંકરે કહ્યું હતું કે મુશ્કેલીના સમયે ભારત સૌથી આગળ અને સૌથી પહેલા અફઘાન લોકો સાથે ઊભું રહેશે. આ મિટિંગ અફઘાનિસ્તાનમાં ઊભા થયેલા માનવીય સંકટ અંગે ચર્ચા કરવા માટે હતી.
આ સાથે એસ જયશંકરે અફઘાનિસ્તાનની વિમાની સેવાનએ પણ પહેલા કરતાં સારી કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે આ વાત સંયુક્ત રાષ્ટ્રની હાઇ લેવલ મિટિંગમાં કરી હતી. આ મિટિંગમાં અફઘાનિસ્તાનમાં ઊભા થયેલા માનવીય સંકટ પર ચર્ચા થઈ હતી. અફઘાનિસ્તાન પર તાલિબાનોએ કબજાે મેળવ્યા બાદ સમગ્ર દુનિયાની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને ભારત જેવા દેશો કે જે અફઘાનિસ્તાનની જૂની સરકાર સાથે ઘેરોબો ધરાવતા હતા.
જયશંકરે કહ્યું હતું કે અફઘાનિસ્તાન હાલ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. અને આવનાર દિવસોમાં અફઘાન લોકોની વધતી ગરીબી પણ તેમના માટે સમસ્યા ઊભી કરશે. આ જ કારણ છે કે તેમને આગામી સમયમાં નાણાકીય સ્થિરતા સાથે બીજી બધી બાબતો પર વધારે ધ્યાન આપવું પડશે. આના પરિણામો વિનાશકારી હશે. જયશંકરે કહ્યું હતું કે જે અફઘાનો પાસે યોગ્ય કાગળો છે અને તેઓ અફઘાનિસ્તાનમાંથી નીકળવા માંગે છે તેમને સુરક્ષિત બહાર કાઢી લેવા જાેઈએ.
જયશંકરનુ આ નિવેદન એટલા માટે ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે તાલિબાનોએ પોતાના લોકોનએ દેશ છોડવા પર પાબંદીઓ લગાવી રાખી છે. ઘણી બધી ફ્લાઇટ્સ પણ બંધ કરી દેવામાં આવી છે. એસ જયશંકરે ફ્લાઇટ્સ ફરી શરૂ કરવા અને સામાન્ય સ્થિતિમાં લાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે કમર્શિયલ ફ્લાઇટ્સ સામાન્ય થતાં જ ત્યાંથી રાહત સામગ્રી આસાનીથી પહોંચાડી શકાય એમ છે.
વિદેશ મંત્રીએ અફઘાનિસ્તાન-ભારત વચ્ચેના ઐતિહાસિક સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ભારતે અફઘાનિસ્તાનના તમામ ૩૪ પ્રાંતોમાં કરવામાં આવેલા વિકાસ કાર્યમાં ફાળો આપ્યો છે. આઅ ભારત અને અફઘાનિસ્તાનની દોસ્તીનું પ્રતિક છે. ગંભીર પરિસ્થિતમાં ભારત અફઘાન લોકોની સાથે ઊભું રહેશે.HS