પિતાએ લીધેલા રૂપિયા આપી દીધા છતાં પુત્રનું અપહરણ કરી માર માર્યો

ત્રણ વ્યક્તિએ જ્યાં સુધી રૂપિયા નહીં આપો ત્યાં સુધી તમારા પુત્રને છોડીશું નહીં કહી પિતાને ધમકી આપી
અમદાવાદ, ફતેહવાડીમાં પિતાએ ઉછીના પૈસા આપી દીધા હોવા છતાં ત્રણ વ્યક્તિએ પુત્રનું અપહરણ કરી એક લાખની માગણી કરીને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે.
ફતેહવાડીમાં સાદ ડુપ્લેક્સમાં રહેતા અનસ શેખે મુનાફ, સલમાન, મહેમૂદભાઇ વિરૂદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અનસ કેટરિંગનું કામકાજ કરે છે. તેના પિતા ગાર્મેન્ટનું કામ કરે છે. અનસના પિતા છેલ્લા પંદર દિવસથી દિલ્હી ગાર્મેન્ટના કામથી ગયા છે. હાલમાં તેઓ દિલ્હી રહે છે.
અનસના પિતાએ વર્ષ-૨૦૧૪ની સાલમાં દરિયાપુરમાં રહેતા મુનાફ પાસેથી ત્રણ લાખ રૂપિયા લીધા હતા. આ પૈસાની લેવડ દેવડ મુનાફ અને અનસના પિતા બંને વચ્ચે થતી હતી. અનસના પિતાએ થોડા થોડા કરીને પૈસા આપી દીધા હતા. તેમ છતાં મુનાફ તેના પિતાને પૈસા બાબતે હેરાન પરેશાન કરીને ધમકીઓ આપતો હતો. જેથી અનસનો પિતાએ મુનાફ તેમજ અન્ય ચાર વ્યક્તિઓ વિરૂદ્ધ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમ છતાં મુનાફે તેના પિતા પાસે પૈસા માંગવાનું ચાલુ રાખ્યું છે.
ગઇકાલે સાંજે અનસ અને તેનો મિત્ર સલમાન ફતેહવાડી સવેરા હોટલની બહાર બાંકડા પર બેઠા હતા. ત્યારે મુનાફ તેના મિત્રોને બાઇક પર લઇને અનસ પાસે આવ્યો હતો. મુનાફ અનસને જબરજસ્તી બાઇક પર બેસાડીને એક દુકાનમાં લઇ ગયો હતો. અનસને દુકાનમાં બેસાડીને ગાળો બોલીને કહ્યું કે જ્યાં સુધી તારા પિતા નહીં આવે ત્યાં સુધી તને જવા દેવાનો નથી.
આમ કહીને તેને દુકાનમાં બેસાડી દીધો હતો. ત્યારબાદ અનસને રિક્ષામાં બેસાડીને દરિયાપુર ઝીંઝીવાડ લઇ ગયો હતો. જ્યાં મુનાફે અનસના પિતાને ફોન કરીને કહ્યું કે અનસ મારી પાસે છે.
એક લાખ રૂપિયા આપી જાવ. જાે તમે પૈસા લઇને આવશો નહીં તો અનસને જવા દેવાના નથી તેમજ તમે એક મહિના સુધી નહીં આવો તો હું એક મહિનો અનસને જવા નહીં દઉં અને તેના હાથ પગ તોડી નાખીશ આમ ધમકી આપી ત્રણ લાફા મારી દીધા હતા.
ત્યારબાદ અનસને લાલ દરવાજા રિક્ષામાંથી ઉતારીને ફરાર થઇ ગયો હતો. અનસે આ અંગે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્રણ યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.