ચંબલની ખીણના ડાકુઓ, પંજાબમાં આતંકવાદ જેવા વિષયો પરનું પુસ્તક ‘ધેટ વીચ ઈઝ અનસીન’
વિખ્યાત ફોટોજર્નાલિસ્ટ પ્રશાંત પંજિયારનાં પુસ્તક ‘ધેટ વીચ ઈઝ અનસીન’નું તા. 18 સપ્ટેમ્બરનાં વિમોચન થશે
-ફોટોગ્રાફસનું એક્ઝિબિશન દોઢ મહિનો ચાલશે
અમદાવાદ, આંતરરાષ્ટ્રિય ખ્યાતિપ્રાપ્ત અને ત્રણ દશકાથી પણ વધુ અનુભવ ધરાવતા ફોટોજર્નાલિસ્ટ પ્રશાંત પંજિયારનાં પુસ્તક ‘ધેટ વીચ ઈઝ અનસીન’નું નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશન કરવામાં આવ્યું છે. પ્રશાંત પંજિયારનાં પુસ્તકનું વિમોચન તા. 18 સપ્ટેમ્બર, 2021નાં રોજ થશે.
આ પુસ્તકનાં વિમોચનની સાથોસાથ નવજીવન ટ્રસ્ટની સત્ય આર્ટગેલેરીમાં તેમનાં અલભ્ય ફોટોગ્રાફ્સનું પ્રદર્શન પણ આરંભાશે. જે દોઢ મહિના સુધી ચાલશે.
આ અંગે માહિતી આપતા નવજીવન ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી શ્રી વિવેક દેસાઈએ જણાવ્યું હતું કે ‘નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રશાંત પંજિયારનાં પુસ્તક ‘ધેટ વીચ ઈઝ અનસીન’નું પ્રકાશન કરવામાં આવ્યું છે. રૂ. 3000ની કિંમતમાં ઉપલબ્ધ આ પુસ્તકનાં 154 પૃષ્ઠો છે. આ પુસ્તકમાં પ્રશાંત પંજિયારની ત્રણ દાયકાની ફોટોજર્નાલિઝમની યાત્રા જોઈ શકાય છે.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પુસ્તકમાં ચંબલની ખીણના ડાકુઓ, પંજાબમાં આતંકવાદ, 1984નાં શીખ વિરોધી રમખાણો અને તેની અસરો, પાકિસ્તાન અને અફધાનિસ્તાનાં રેફ્યુજીઓ, ભારતમાં કોમી હિંસા, ઉદારીકરણ વગેરે મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે.
પ્રશાંત પંજિયર સ્વશિક્ષિત ફોટોગ્રાફર છે. તેમણે પેટ્રીયટ ન્યૂઝપેપરમાં 1984 થી 1986, ઈન્ડિયા ટુડેમાં 1986થી 1995 સુધી અને આઉટલુક ગ્રુપ ઓફ પબ્લીકેશન્સમાં 1995થી 2001 સુધી ફોટો જર્નાલિસ્ટ તરીકે કામ કર્યું હતું.
2001થી તેઓ સ્વતંત્ર ફોટોગ્રાફર તરીકે કાર્યરત છે. તેમણે જાણીતા આંતરાષ્ટ્રીય મેગેઝિનો જેમકે ટાઈમ મેગેઝિન, ફોક્સ, ન્યુયોર્ક ટાઈમ્સ, વગેરેમાં પણ કામ કર્યું છે. એક ડોક્યુમેન્ટરી ફોટોગ્રાફર તરીકે હેલ્થ એજ્યુકેશન જેવાં ક્ષેત્રોમાં કામ કર્યું છે.