મુખ્યમંત્રીના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે પંકજ જાેશી

ગાંધીનગર, ગુજરાતમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આવતા જ ધરખમ બદલાવો પણ આવી રહ્યા છે. ગુજરાતના નવામંત્રીમંડળની શપથવિધિ પહેલા મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ ફેરફારો થઇ રહ્યા છે. વિજય રૂપાણી સમયના સીએમઓના તમામ આઇએએસની બદલી કરવામાં આવી છે. જે સાથે નવા અધિકારીઓની નિમણૂક તાત્કાલિક અસરથી કરવામાં આવી રહી છે.
જેમાં એમ. કે. દાસની જગ્યાએ પંકજ જાેશીને સીએમઓના નવા એસીએસ (એડિશનલ ચીફ સેક્રેટરી) બનાવવામાં આવ્યા છે. આ સાથે સીએમઓના નવા સચિવ તરીકે અશ્વિની કુમારની જગ્યાએ અવંતિકા સિંઘની નિમણૂંક કરવામાં આવી છે.
ભરૂચના કલેક્ટર ડો.એમ.ડી મોડિયાની સીએમઓમાં ઓએસડી તરીકે નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ એએમસીના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એન.એન. દવેની પણ તાત્કાલિક અસરથી બદલી કરી સીએમઓમાં ઓએસડી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ગુજરાતમાં નવા મુખ્યમંત્રી આવતા વિજય રૂપાણીના સમયના સીએમ ઓફિસમાં નિયુક્ત તેમજ મંત્રીઓના અંગત સચિવ તરીકે કાર્યરત ૩૬ જેટલા સચિવાલય કેડર તેમજ અન્ય કેડરના અધિકારીઓને મૂળ વિભાગમાં પરત મોકલવામાં આવ્યા છે.
ત્યારે નવા મંત્રીઓ પોતાના અંગત સ્ટાફની નિમણૂક ન કરે ત્યાં સુધી તેમની રોજિંદી સરકારી કામગીરીમાં મદદરૂપ થવા માટે જીએડી દ્વારા ૩૫ સેક્શન ઓફિસર અને ૩૫ ડેપ્યુટી સેક્શન ઓફિસરોની યાદી તૈયાર કરવામાં આવી છે. મંત્રીઓ સ્ટાફની નિમણૂક ન કરે ત્યાં સુધી આ અધિકારીઓ ફરજ બજાવશે. આ દરમ્યાન સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળની આજે બપોરે શપથવિધિ કરવામાં આવે તેવી શક્યતા છે. જેમાં ૭થી વધુ નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે.
આ નવા ચહેરાઓમાં આત્મારામ પરમાર, કિરીટસિંહ પરમાર, જગદીશ પંચાલ, રાકેશ શાહ, શશીકાંત પંડ્યા, દુષ્યંત પટેલ, નિમિષા સુથાર અને પ્રદ્યુમ્નસિંહ જાડેજા, હર્ષ સંઘવી, રાજેન્દ્ર ત્રિવેદી, ઋષિકેશ પટેલના નામ નવા મંત્રીમંડળમાં હોય તેવી પુરેપૂરી શક્યાતાઓ છે.SSS