Western Times News

Gujarati News

ગુજરાત સહિતના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

ફાઈલ ફોટો

ગાંધીનગર, સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદે તારાજી સર્જી છે, અહીં અનેક જિલ્લાઓમાં આવેલા પૂરે સામાન્ય જીવન ખોરવી નાંખ્યુ છે. એવામાં ભારતીય હવામાન ખાતાએ આગામી દિવસોમાં ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું અનુમાન લગાવ્યું છે. જે અનુસાર આગામી ૧૦ દિવસ સુધી દેશના અનેક રાજ્યોમાં વરસાદ પડી શકે છે. જાેકે સામાન્ય રીતે દેશમાં ૧૭ સપ્ટેમ્બરથી ચોમાસુ પરત ફરવાનું શરુ થાય છે પરંતુ આ વખતે ચોમાસુ લાંબુ ચાલે એવી સંભાવના છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ દેશના અનેક વિસ્તારોમાં આગામી ૩ થી ૫ દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. આઈએમડીનું કહેવુ છે કે, ઓડિશાના દરિયામાં સર્જાયેલા ડિપ્રેશનને લીધે દેશના ૧૩ રાજ્યોમાં વરસાદ પડવાનું અનુમાન છે.

જે દરમિયાન દિલ્હી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રનો અમુક વિસ્તારો અને ઉત્તર પ્રદેશમાં આગામી ૩-૪ દિવસ ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મંગળવારે સૌરાષ્ટ્રના જૂનાગઢમાં ૧૦૦ થી ૧૫૦ મિલી મીટર વરસાદ નોંધાયો હતો.

આ સિવાય સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. જ્યારે રાજકોટ, અમરેલી, ભાવનગર, ગિર-સોમનાથ અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવમાં પણ અતિ ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો છત્તીસગઢ અને ગોવામાં પણ હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન લગાવ્યું છે. આ દરમિયાન દરિયાઇ પવનો ફુંકાવાને લીધે માછીમારોને દરિયામાં જવાની મનાઇ ફરમાવવામાં આવી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.