Western Times News

Gujarati News

મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેના પુત્રની તીક્ષ્ણ હથિયારોના ધા ઝીંકી હત્યા

મોરબી, મોરબી શહેરમાં ક્રાઈમ વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે બુધવારે રાત્રે મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેના પુત્રને ચૂંટણીનુ મનદુઃખ રાખીને માથાભારે ઈસમોએ ઘરે જઈ ધારીયા, છરી જેવા તીક્ષ્ણ હથિયારના ધા ઝીંકી હત્યાં કરતા ખળભળાટ મચી ગયો છે. આ બેવડી હત્યા મામલે મૃતક ફારૂકભાઈ મોટલાણીના પત્ની રજીયાબેને પાંચ શખ્સો વિરુદ્ધ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ ચકચારી બેવડી હત્યાના બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ, ગતરાત્રીના મોરબી નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ફારૂકભાઈ ઇબ્રાહિમભાઈ મોટલાણી અને તેમના પુત્ર ઈમ્તિયાઝ પોતાના ઘરે હતા, ત્યારે પાંચ શખ્સોએ ધારીયા, છરી જેવા ઘાતક હથિયારો ધારણ કરી પિતા-પુત્ર ઉપર હુમલો કર્યો હતો. જેથી બન્નેનું મૃત્યુ નીપજ્યું હતું.

આ ઘટના અંગે મૃતક ફારૂકભાઈના પત્ની રજીયાબેન મોટલાણીએ દાદુ ઉર્ફે રફીક તાજમહમદ, અસગર જાકબ ભટ્ટી, જુસા જાકબ ભટ્ટી, આસિફ સુમરા અને મોઇન હાસમ દાવલિયા ઉર્ફે લાલો પિંજરા વિરુદ્ધ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં અગાઉ ચૂંટણીના વેરઝેરમાં ઉપરોકત પાંચેય શખ્સોએ એક સંપ કરી પોતાના પતિ અને પુત્રને છરી, ધારીયા જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યાં કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, મોરબી પાલિકાના પૂર્વ ઉપ પ્રમુખ અને તેમના પુત્રના હત્યારાઓ ગુનાહિત ઇતિહાસ ધરાવનારા અને નામચીન હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે. હાલ આ સનસનીખેજ બેવડી હત્યા મામલે મોરબી બી ડિવિઝન પોલીસે આઈપીસી કલમો મુજબ ગુનો દાખલ કર્યો છે અને ગંભીર બનાવ મામલે એલસીબી, એસઓજી સહિતની ટીમો દ્વારા આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.