Western Times News

Gujarati News

કાંકરીયા ફ્રન્ટના કોન્ટ્રાક્ટરો-અધિકારીઓએ શાસકોને ચગડોળે ચઢાવ્યાં

ચાર કોન્ટ્રાક્ટરોની સરભરામાં મનપાએ ૪૮ મહિનામાં ભાડા-ટેક્સ પેટે રૂા.૭૦ કરોડનું નુકસાન કર્યું

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસસિપલ કોર્પાેરેશન દ્વારા ૨૦૦૮ની સાલમાં ઐતિહાસિક કાંકરીયા તળાવનું નવનિર્માણ કરવામાં આવ્યું હતું.

કાંકરીયા પરિસરમાં સહેલાણીઓના આનંદ-પ્રમોદ માટે એમ્યુઝમેન્ટ પાર્ક, બોટીંગ, ગેમઝોન, તીથર્ડ બલૂન વગેરે માટે ખાનગી કોન્ટ્રાક્ટરોને પીપીપી ધોરણે જગ્યા આપી હતી. જેમાં કોન્ટ્રાક્ટરોને થતી આવકનો ૨૦ ટકા હિસ્સો મ્યુનિ.કોર્પાેરેશનને મળે તેવી શરત રાખવામાં આવી છે.

પરંતુ તૃપ્તિ રીક્રીએશન, આમ્રપાલી ઈન્ડ., ઈન્ડિયા બંજી તેમજ સ્કાય વન્ડર્સ નાયના કોન્ટ્રાક્ટરોએ ચાર વર્ષમાં શેરીંગ પેટે જે રકમ મ્યુનિ.તિજાેરીમાં જમા કરાવી છે તેમાંથી ભાડાની રકમ પણ વસુલ થાય તેમ નથી. બીજા શબ્દોમાં કહીએ તો, કાંકરીયા ફ્રન્ટના અધિકારીઓની રહેમનજરે કોન્ટ્રાક્ટરોએ મ્યુનિ. શાસકોને ચગડોળે ચઢાવવા છે કે હીંચકે ઝુલાવવા છે તે નક્કી કરવું મુશ્કેલ બન્યું છે.

મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા રૂ.૩૮ કરોડના ખર્ચથી ડેવલપ કરવામાં આવેલા કાંકરીયા ફ્રન્ટનો લાભ નાગરીકો કરતા કોન્ટ્રાક્ટરોને વધુ થયો છે. કાંકરીયા ફ્રન્ટના લોકાર્પણ બાદ તત્કાલીન શાસકોએ તેમના મળતિયાઓને બે હાથે કોન્ટ્રાક્ટ આપ્યા હતા તેમજ તેમને કોઈ તકલીફ ન થાય તે માટે ૧૦-૧૫ વર્ષના જ કરાર કર્યા હતા. જેનો મન મૂકીને દુરૂપયોગ કોન્ટ્રાક્ટરો કરી રહ્યા છે.

અધિકારીઓ હરખાઈ રહ્યા છે અને શાસકોને સમજ પડતી નથી ! કાંકરીયા ફ્રન્ટમાં તીથર્ડ બલૂન માટે સ્કાય વન્ડર્સને ૧૦ વર્ષનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. જેની મુદ્દત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં જમીનનો કબજાે પરત લેવામાં આવતો નથી. તીથર્ડ બલૂન છેલ્લા ૦૬ મહિનાથી બંધ છે. અગાઉ પણ બે વર્ષ બંધ રહ્યું હતું. જેના કારણે તંત્રએ આવક ગુમાવી હતી તેમ છતાં કરાર રદ કરવાની નૈતિક હીંમત શાસકો અને અધિકારીઓ દાખવી શક્યા નથી.

મ્યુનિ.સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ ચાર કોન્ટ્રાક્ટરોની મુદ્દત વધુ ચાર વર્ષ લંબાવવા માટે ફ્રન્ટના અધિકારીઓ દ્વારા દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જે અંગે નિર્ણય લેવામાં આવ્યો નથી. નોંધનીય બાબત એ છે કે અધિકારીઓને જેટલો રસ મુદ્દત લંબાવવામાં છે તેટલો રસ શેરીંગ વધારવામાં નથી.

કોન્ટ્રાક્ટરોને કારણે તંત્રની તિજાેરી ભરાય કે ન ભરાય પરંતુ અધિકારીઓની તિજાેરી ભરાઈ રહી હોવાના ખુલ્લેઆમ આક્ષેપ થઈ રહ્યા છે. કાંકરીયા ફ્રન્ટ તરફથી તૃપ્તિ રીક્રીએશન, આમ્રપાલી, સ્કાય વન્ડર્સ અને ઈન્ડિયા બંજી માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

આ ચાર કોન્ટ્રાક્ટરો દ્વારા છેલ્લા ૪૮ મહિનામાં ૨૦ ટકા રેવન્યુ શેરીંગ પેટે જે રકમ જમા કરવામાં આવી છે તેના આંકડા અત્યંત શરમજનક છે. તથા આટલી નજીવી રકમની જ આવક થતી હોય તો કોઈપણ વ્યક્તિ ધંધો ન કરે પરંતુ આ કિસ્સામાં અધિકારીઓની રહેમનજર હોવાથી બે-હિસાબ ધંધો થઈ રહ્યો છે.

કાંકરીયા ફ્રન્ટના ચાર કોન્ટ્રાક્ટરોને ઓછામાં ઓછી ૧૦૦૦ ચો.મી.જમીન આપવામાં આવી છે. આ વિસ્તારમાં “ઓપન ટુ સ્કાય” જમીનનું ભાડુ પ્રતિ ચો.મી.રૂા.૧૫ના ભાવ ચાલી રહ્યા છે તે મુજબ ભાડાની ગણતરી કરવામાં આવે તો:

– તંત્ર દ્વારા ફાળવવામાં આવેલ જમીન અંદાજિત – ૧૧૭૬૦ સ્કે.ફીટ
– આ વિસ્તારમાં ઓપન ટુ સ્કાય જમીનનું ભાડું – રૂા.૧૫ પ્રતિ સ્કે.ફીટ
– માસિક ભાડાની રકમ રૂા.૧,૭૬,૪૦૦ થાય છે.
– મ્યુનિ.પ્રોપર્ટી ટેક્ષ કોમર્શીયલ ઉપયોગ માટે – રૂા.૩,૭૧,૦૫૦ વાર્ષિક થાય.

આમ, ૧૦૦૦ ચો.મી.નું માસિકભાડું રૂા.૧,૭૬,૪૦૦ ૩૦,૯૨૦ પ્રોપર્ટી ટેક્ષ (માસિક)ની ગણતરી કરવામાં આવે તો મનપા પર દર મહિને રૂા.૨૧૭,૩૨૦નો આર્થિક બોજાે પડે છે. જેની ૪૮ મહિના મુજબ ગણતરી કરતાં કોન્ટ્રાકટ દીઠ કુલ રકમ રૂા.૧૦,૪૩૧,૩૬૦ થાય છે.

જેની સામે ૪ કોન્ટ્રાક્ટરો તરફથી ૪૮ મહિનામાં ૨૦ ટકા સેલીંગ પેટે મળેલ રકમ દૃષ્ટિપાત કરીએ તો તૃપ્તિ રીક્રિએશન રૂા.૧૫,૮૧,૬૦૦ (માસિક રૂા.૩૨,૯૫૦), આમ્રપાલી ઈન્ડસ્ટ્રીઝ રૂા.૬૨૧,૬૭૪ (માસિક રૂા.૧૨,૯૫૧), સ્કાય વન્ડર્સ રૂા.૪૯૭,૧૨૩ (માસિક રૂા.૧૦,૩૫૬)

તેમજ ઈન્ડિયા બંજી રૂા.૮૦૪,૩૧૬  (માસિક રૂા.૧૬,૭૫૬) મળી છે.
આમ, ચાર કોન્ટ્રાક્ટરો તરફથી ૪૮ મહિનામાં માત્ર રૂા.૩૫૦૪૭૧૩ મળ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.