Western Times News

Gujarati News

દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વેનો ટેસ્ટ, ગડકરીએ ૧૬૦ કિમીની ઝડપે કાર દોડાવી

નવીદિલ્હી, દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વેનું નિરીક્ષણ કરવા માટે કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરી રતલામ પહોચ્યાં હતા. નિરીક્ષણ કરવા માટે તેમણે પોતાની કાર ૧૫૦ કિમીની ઝડપે દોડાવી હતી, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગડકરીએ સૌપ્રથમ હેલિકોપ્ટર દ્વારા એક્સપ્રેસ-વેનું નિરીક્ષણ કર્યું, ત્યારબાદ પોતે કારમાં સવાર થઇ ઓન રોડ ટેસ્ટ કર્યો.

કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરી હાલ એક્સપ્રેસ-વેનું કામ કેટલું આગળ વધ્યું છે તેનું નિરીક્ષણ કરી રહ્યાં છે. તે માટે તેઓ મધ્યપ્રદેશ પણ ગયા હતા. જ્યાં તેમણે રતલામ જિલ્લાના જાવરામાં નિર્માણાધિન દિલ્હી-મુંબઇ એક્સપ્રેસનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.

એક્સપ્રેસ-વેની ગુણવત્તા અને કાર્ય કઇ રીતે થઇ રહ્યું છે તેનું નિરીક્ષણ તેમણે હેલિકોપ્ટર દ્વારા કર્યું, ત્યારબાદ ભુતેડાથી લગભગ ૧૫૦ કિમીની ઝડપે વાહન ચલાવી તેની ગુણવત્તાની પણ ચકાસણી કરી હતી.

ટેસ્ટ ડ્રાઇવ કર્યા બાદ ગડકરીએ જણાવ્યું હતું કે, અમે અગાઉ જ નિર્માણ કરનારી કંપનીને ગુણવત્તા જાળવવાની સલાહ આપી હતી, એક્સપ્રેસ-વે પર ઝડપની ચકાસણી સફળ રહી છે. આ એક્સપ્રેસ-વે પર વાહનની ઝડપ ૧૨૦ કિમી પ્રસ્તાવિત થઇ શકે છે. ૪૫ મિનિટથી વધુ ચાલેલા આ પરિક્ષણ દરમિયાન ગડકરી સાથે સાંસદ ગુમાન સિંહ ડામોર, અનિલ ફિરોઝિયા અને સુધિર ગુપ્તા તથા રતલામ જિલ્લાના ધારાસભ્ય ચૈતન્ય કશ્યપ, ડૉ.રાજેન્દ્ર પાંડે સહિત અન્ય લોકો હાજર હતા.

આ એક્સપ્રેસ-વે મધ્યપ્રદેશના ત્રણ જિલ્લામાંથી પસાર થઇ રહ્યો છે, જેની લંબાઇ ૨૪૫ કિલોમીટર છે. જે રતલામ, સંદસૌર તેમજ ઝાંબુઆ જિલ્લામાંથી પસાર થાય છે.

નવેમ્બર ૨૦૨૨ સુધી તેનું કામ પૂર્ણ થઇ જશે. પ્રથમ ચરણમાં આઠ લેન ત્યારબાદ બાર લેન સુધી માર્ગ નિર્માણ પ્રસ્તાવિત છે. ગડકરીએ ગુજરાતના ભરૂચમાં પણ આ એક્સપ્રેસ-વેનું નિરીક્ષણ કર્યુ હતું. તે દરમિયાન તેમણે એ સ્થળનું પણ નિરીક્ષણ કર્યું જ્યાં આ વર્ષે ફેબ્રુઆરીમાં એક દિવસમાં સૌથી ઝડપે માર્ગ નિર્માણનું કાર્ય કરવાનો રેકોર્ડ બન્યો હતો.

ગુજરાતમાં ૩૫,૧૦૦ કરોડના ખર્ચે ૪૨૩ કિમી માર્ગ નિર્માણનું કામ થઇ રહ્યું છે. આ એક્સપ્રેસ-વે અંતર્ગત રાજ્યમાં ૬૦ મેજર બ્રિજ, ૧૭ ઇન્ટરચેંજ, ૧૭ ફ્લાઇઓવર અને ૮ આરઓબી પણ બનશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.