હવે મારે હેડમાસ્ટરને બદલે માસ્તરનું કામ કરવાનું છે: રાજેન્દ્ર ત્રિવેદી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Rajednra.jpg)
રાજકોટ, ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ગાંધીનગર રાજભવન ખાતે ગુરુવારે પટેલ સરકારના કેબિનેટ કક્ષાના ૧૦ અને રાજ્યકક્ષાના કુલ ૧૪ મંત્રીઓએ શપથ લીધા હતા. તેમાનાં કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે રાજકોટ ખાતે વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિતે બીએપીએસ મંદિરમાં વિકાસલક્ષી કાર્યક્રમમાં ભાગ લીધો હતો જ્યાં તેમણે જણાવ્યું હતું કે, વિજય રૂપાણીએ ઉત્તમ સરકાર ચલાવી છે.
હવે મારે હેડમાસ્ટરને બદલે માસ્તરનું કામ કરવાનું છે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા અને ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓને સહાય આપવામાં આવી હતી.
રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે,વિજય રૂપાણી મારા પિતા અને વડીલ સમાન છે. તેમના થકી અમે ઉજળા છીએ. રાજકોટ એવી ભૂમિ અહીંથી રાજકીય કારકિર્દીની શરૂઆત થાય તો પ્રધાનમંત્રી પણ થાય અને મુખ્યમંત્રી પણ થાય. આ તકે તેમણે કેશુભાઈ પટેલ અને અભય ભારદ્વાજને પણ યાદ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને મહેસૂલ,આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના ખાતાની ફાળવણી કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૭૧માં જન્મદિવસે રાજ્યભરમાં-ગરીબોના બેલી- કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટના જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષસ્થાને પ્રમુખસ્વામી સભાગૃહ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર ત્રિવેદી હતા. જેથી વહીવટી વિભાગ દ્વારા પ્રોટોકોલ મુજબ રાજેન્દ્ર ત્રિવેદીના સ્વાગતની જાહેરાત કરી હતી.એ સમયે રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રથમ સ્વાગત વિજય રૂપાણીનું કરવા માટે કહ્યું હતું. ત્યારે વિજય રૂપાણીએ ઉભા થઇને રાજેન્દ્ર ત્રિવેદીનું પહેલા સ્વાગત કરીને પ્રોટોકોલ જાળવવા કહ્યું હતું. આ અંગે રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે વિજય રૂપાણી મારા વડિલ અને પિતાતૂલ્ય છે. ત્યારે તેનું પ્રથમ સ્વાગત કરવું જાેઇએ. પરંતુ તેના આદેશને માન આપીને મારૂં સ્વાગત પ્રથમ થયું છે.HS