દિવ્યા અગ્રવાલ બિગ બોસ OTTની વિજેતા બની

મુંબઈ, બિગ બોસ ઓટીટીનો ગ્રાન્ડ ફિનાલે એપિસોડ ગઈકાલે પ્રસારિત થયો. રિયાલિટી ટીવી શૉની સ્ટાર દિવ્યા અગ્રવાલે બિગ બોસ ઓટીટીની પ્રથમ સીઝનની ટ્રોફી પોતાના નામે કરી. ટ્રોફીની સાથે સાથે દિવ્યાને ૨૫ લાખ રુપિયા ઈનામી રકમ પણ મળી છે.
દિવ્યા શૉ જીતી ગઈ છે ત્યારે નિશાંત ભટ્ટ ફર્સ્ટ રનર અપ અને શમિતા શેટ્ટી સેકન્ડ રનર અપ બની છે. બિગ બોસ ઓટીટીના ગ્રાન્ડ ફિનાલે પછી દિવ્યા અગ્રવાલે વરુણ સૂદ, રણવિજય સિંહ અને પરિવારની સાથે મળીને પોતાની સફળતાની ઉજવણી કરી હતી. બિગ બોસ ઓટીટીની વિનર દિવ્યા અગ્રવાલે કેપ કાપીને ઉજવણી કરી હતી.
વરુણ સૂદે આ દરમિયાન પોતાની ગર્લફ્રેન્ડના વખાણ કર્યા. વરુણે ઈન્સ્ટાગ્રામની સ્ટોરીમાં દિવ્યા સાથેની તસવીર શેર કરીને લખ્યું કે, પ્રાઉટ ઓફ યુ. ઉલ્લેખનીય છે કે આ ટ્રોફી જીત્યા પછી દિવ્યા અગ્રવાલે સાબિત કરી દીધું કે તે ખરેખર રિયાલિટી શૉની ક્વીન છે. દિવ્યાએ બિગ બોસ ઓટીટી દરમિયાન જ જાહેરાત કરી હતી કે, તે શૉ જીતવા આવી છે.
અને તેણે શૉ જીતી બતાવ્યો. દિવ્યાએ સ્પ્લિટ્સવિલાથી પોતાના કરિયરની શરુઆત કરી હતી, તેણે સ્પ્લિટ્સ વિલા સિવાય પણ અનેક રિયાલિટી શૉમાં ભાગ લીધો છે. દિવ્યાએ એસ ઓફ સ્પેસમાં પણ ભાગ લીધો હતો અને તેણે આ શૉની ટ્રોફી પણ પોતાના નામે કરી હતી. ઉલ્લેખનીય છે કે બિગ બોસ ઓટીટીનો ગ્રાન્ડ ફિનાલે એપિસોડ ઘણો જ મનોરંજક હતો.
એપિસોડમાં જેનેલિયા અને રિતેશ પણ ઘરમાં ગયા હતા અને મજાની ગેમ્સ રમી હતી. આ સાથે જ ઋત્વિક ધંજાની અને કરણ વાહી પણ હાજર રહ્યા હતા અને કરણ જાેહર સાથે મસ્તી કરી હતી. પ્રતીક સહજપાલ ‘બિગ બોસ ૧૫’ માટે પહેલો કંટેસ્ટેંટ બની ચૂક્યો છે.
પ્રતીક સહજપાલ રૂપિયા ભરેલું સૂટકેસ લઈને બિગ બોસ ઓટીટીની ફાઈનલમાંથી બહાર નીકળી ગયો હતો. અને આ સાથે જ તે સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવનાર ‘બિગ બોસ ૧૫’ માટે દાવેદારી નક્કી કરી દીધી છે. બિગ બોસ ઓટીટીની શરૂઆત ૧૩ કંટેસ્ટેંટ્સ સાથે થઈ હતી અને ફિનાલેમાં માત્ર પાંચ કંટેસ્ટેંટ્સ બચ્યા હતા. જેમાં શમિતા શેટ્ટી, દિવ્યા અગ્રવાલ, પ્રતીક સહજપાલ, નિશાંત ભટ્ટ અને રાકેશ બાપટનું નામ સામેલ હતું.