Western Times News

Gujarati News

સિક્યુરિટી ગાર્ડ વચ્ચે બબાલ થતાં નવ લાખનું નુકસાન

અમદાવાદ, અમદાવાદઃ સરખેજ-ગાંધીનગર હાઈવે પર સાણંદ ચોકડી પાસે આવેલા બીએમડબ્લ્યુ કારના શોરૂમમાં ફરજ બજાવી રહેલા બે સિક્યુરિટી ગાર્ડ્‌સ વચ્ચે શનિવારે રાત્રે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી. આવેશમાં આવીને તેઓએ શોરૂમમાં પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી હતી. એક ટેમ્પો, ચાર BMW અને એક મિનિ કૂપર કારના કાચ તોડતાં આશરે ૯ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું.

જેના પગલે સરખેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, ઠક્કરનગરના કેદાર એપાર્ટમેન્ટ ખાતે રહેતા ૩૬ વર્ષીય સંદીપભાઈ રોહિતભાઈ ભંડેરી છેલ્લા ૩ વર્ષથી સાણંદ સર્કલ પાસે આવેલા બીએમડબલ્યુ કારના ગેલોપ્સ નામના શોરૂમના એચ.આર. ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવે છે.

શનિવારે રાત્રે આશરે અઢી વાગે શોરૂમના સિક્યુરિટી સુપરવાઈઝર વિમલેશ અનુરાગીએ તેમને ફોન કર્યો હતો. વિમલેશ અનુરાગીએ તેમને જણાવ્યું કે, ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ કૃષ્ણ મોહનસિંહ તથા રામ કિશોર યાદવ વચ્ચે અંદરોઅંદર બોલાચાલી થઈ હતી.

દરમિયાન તેમણે શોરૂમના પાર્કિંગમાં પડેલી કેટલીક કારના કાચ તોડીને નુકસાન પહોંચાડ્યું છે. સંદીપભાઈએ તરત જ આ અંગે શોરૂમના સીઈઓ સતિક ચેટર્જીને ફોન કરીને જાણ કરી હતી. જે બાદ સવારે નવ વાગ્યે સંદીપભાઈએ શોરૂમ ખાતે આવીને જાેતાં એક ટેમ્પો, ચાર બીએમડબ્લ્યુ કાર તથા એક મિનિ કૂપર કારના કાચ તૂટેલા જાેયા હતા.

ઉપરાંત કેટલીક કારના બોનેટ સહિતના ભાગ ઉપર પણ ગોબા પડ્યા હતા. આ અંગે તેમણે બંને સિક્યુરિટી ગાર્ડને બોલાવીને પૂછપરછ કરતાં તેઓ બંને ઉશ્કેરાઈ ગયા હતા. આ બંને ગાર્ડ્‌સે ગાળાગાળી પણ કરી હતી. જે બાદ સંદીપભાઈએ સીસીટીવી ફૂટેજ તપાસતાં કૃષ્ણ મોહનસિંહ તમામ વાહનોને આરસની પટ્ટી વડે નુકસાન પહોંચાડતો દેખાયો હતો. આ અંગે સંદીપભાઈએ બંને ગાર્ડ્‌સ વિરુદ્ધ સરખેજ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.