Western Times News

Gujarati News

કૃષિમંત્રીની જામનગર પૂરગ્રસ્ત ગામોની મુલાકાત

જામનગર, ગુજરાત રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે પદગ્રહણના બીજા જ દિવસે જામનગર જિલ્લાના ૧૯ પૂરગ્રસ્ત ગામોની મેરેથોન મુલાકાત લઇ લોકોની રજૂઆતો તથા પ્રશ્નો સાંભળ્યા હતા. તેમજ દરેક અસરગ્રસ્તને રાજ્ય સરકાર તરફથી યોગ્ય વળતર ચૂકવવાની ખાતરી આપી હતી. જ્યારે સહાયના ધોરણોમાં ધરખમ વધારો કર્યો હોવાની વાત પણ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે જામનગર ખાતે કરી હતી.

ગુજરાત રાજ્યના કેબિનેટ કૃષિમંત્રી રાઘવજી પટેલે ખુદ પોતાના મત વિસ્તાર એવા જામનગર, ધ્રોલ તથા કાલાવડ તાલુકાના રામપર, મોટી બાણુગર, ખીમરાણા, બાળા, નેવી મોડા, અલીયા, મોડા, બેરાજા, પસાયા, સપડા, ધુતારપર, ધુડશીયા, કાલાવડ, ખંઢેરા, બાંગા, કૃષ્ણપુર, વાગડિયા, નાઘુના તથા કૌંજ ગામની મુલાકાત લીધી હતી અને લોકોની રજૂઆતો પરત્વે પ્રત્યુતર પાઠવતા જણાવ્યું હતું કે સતાના માધ્યમથી ખેડૂતો તથા અસરગ્રસ્તોના પ્રશ્નોને વાચા તેમજ યોગ્ય ન્યાય આપવા પૂરતો પ્રયત્ન કરાશે.

પૂર વખતે પણ રાજ્ય સરકારે હેલિકોપ્ટર, એનડીઆરએફ તથા એસડીઆરએફ સહિતની તમામ મદદ પૂરી પાડી હતી. ત્યારે હવે પૂર બાદની સ્થિતિમાં પણ સરકાર લોકોની પડખે ઉભી છે અને મહત્તમ લાભો લોકો સુધી પહોંચે તે મુજબનું આયોજન કરી રહી છે.

જામનગરના પૂરગ્રસ્ત ગામોની મુલાકાત વેળાએ પાક ધોવાણ, પશુ મૃત્યુ સહાય, જમીન ધોવાણ સહીતની સહાયના ધોરણોમાં જુના ધારાધોરણો કરતાં આ વખતે રાજ્ય સરકાર દ્વારા ધરખમ વધારો કર્યો છે. જેની વિગતવાર જાણ ખૂબ જ ટૂંક સમયમાં સરકાર દ્વારા લોકોને કરાશે તેવી જાહેરાત પણ કરી હતી. તેમજ પાક નુકસાની, જમીન ધોવાણ, પશુ મૃત્યુ તથા ઘર વખરી અંગેની નોંધ કરાવવા પણ લોકોને આગ્રહ ભરી વિનંતી કરી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.