ધ ગ્રેટ ખલીએ જાહેર રસ્તા પર ૧૫ મિનિટમાં ૧૦ પ્લેટ પાણીપૂરી, ૫ પ્લેટ સેવપૂરી આરોગી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Rajkot1.jpg)
રાજકોટ, વર્લ્ડ હેવી વેટ ચેમ્પિયન ધ ગ્રેટ ખલીએ રાજકોટ શહેરની મુલાકાત લીધી હતી. તેઓ રાતે ૮ વાગ્યે અમદાવાદ જવા નીકળ્યા હતા. આ દરમિયાન ધ ગ્રેટ ખલીએ કાલાવડ રોડ પર આવેલી એક દુકાનમાં પાણીપૂરી ખાવાની મજા માણી હતી. તેમણે ૧૦ પ્લેટ પાણીપૂરી, ૫ પ્લેટ સેવ-દહીંપૂરી ખાધી હતી, એટલે કે ૬૦ નંગ પાણીપૂરી ૨૫ નંગ સેવ-દહીંપૂરી ખાવાની મજા માણી હતી તેમજ ૫૦૦ એમએલની પાણીની ૪ બોટલ પણ પીધી હતી.
મહત્ત્વનું છે કે ખલીએ રાજકોટના જાહેર માર્ગ પર સામાન્ય લોકોની જેમ કારની બોનેટ પર પાણીપૂરીની પ્લેટ રાખી ખાવાની મજા માણી હતી. ખુલ્લી જીપમાં રાજકોટની લટારે નીકળ્યા ત્યારે તેમણે ચાહકોનું અભિવાદન જીલ્યું હતું. બાદમાં ૧૨-૧૫ મિનિટમાં રાજકોટથી રવાના થયા હતા.
રાજકોટમાં ખલીએ જણાવ્યું હતું કે ભારતમાં ઘણા એવા જિમમાં એક-બે રૂમની વ્યવસ્થા હોય છે. હું તો લોકોને આગ્રહ કરી રહ્યો છું કે બધાએ કસરત કરવી જાેઇએ. ઘણા લોકો એવું કહે છે કે હું તો ઓફિસ જાઉં છું તો મારે કસરત કેમ કરવી, પરંતુ જે રૂપિયા પછી તમે ડોક્ટરોને દેવાના છો તો એનાથી બચવા માટેનો એક જ ઉપાય છે જિમ.
જિમમાં જઇને અથવા ઘરે કરસત કરીને લોકોએ પોતાનું શરીર તંદુરસ્ત રાખવું જાેઇએ. ઘણા લોકો એવું વિચારે છે કે મારા તો લગ્ન થઇ ગયા છે અને બાળકો પણ છે તો હું જિમ કેવી રીતે જાઉં, પરંતુ તેવા લોકોને પણ મારી અપીલ છે કે જેમ જેમ શરીરને જરૂર હોય તેવી કસરત કરવી જાેઇએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે તમે કસરત કરશો તો કોરોના તમને ટચ પણ નહિ કરી શકે, આથી બધા લોકોને મારી અપીલ છે કે કસરત કરો. મારી લોકોને અપીલ છે કે તમે લોકો સવારે વહેલા ઊઠો અને કસરત કરો. હેલ્ધી ડાયટ ફૂડ ખાવો, જેનાથી કોઇ બીમારી આવી શકતી નથી અને તમારું શરીર એકદમ તંદુરસ્ત રહેશે.HS