રામોલમાં મહીલા સહીત પાંચ શખ્શોનો કોન્સ્ટેબલ પર સશસ્ત્ર હુમલો
(પ્રતિનિધિ) અમદાવાદ, રામોલમાં ટોળુ જાેઈને પેટ્રોલિંગમાં રહેલા કોન્સ્ટેબલ પરીસ્થિતિ જાણવા ગયા હતા જેમને જાેઈ એક આરોપી ભાગતા કોન્સ્ટેબલે તેનો પીછો કર્યો હતો અને એક ઘરમાં ઘુસતાં આરોપીએ મહીલા સહીત પાંચ શખ્શો સાથે મળીને ઘરમાં પુરી કોન્સ્ટેબલને ગડદાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત છરી વડે હુમલો કરતા કોન્સ્ટેબલ ઘાયલ થઈ ગયો હતો આ ઘટનાથી ચકચાર મચી ગઈ છે.
આ અંગેની વિગત એવી છે કે રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ તથા લોકરક્ષક પ્રદીપસિંહ સોમવારે રાત્રે પેટ્રોલિંગ કરી રહયા હતા. પોણા દસ વાગ્યે બંને નિરાંત ચાર રસ્તા પહોંચતા ઉમીયા મેડીકલ સ્ટોર આગળ ભીડ જાેઈ હતી.
જયાં જતાં એક યુવાન ઘાયલ અવસ્થામાં પડયો હતો તેની પુછપરછ કરતાં ટોળામાંથી એક શખ્શ તરફ ઈશારો કરી તેણે ચપ્પુ માર્યાનું કહેતા શખ્શ ત્યાંથી ભાગીને નીજર્યાક સોસાયટીના એક મકાનમાં ઘુસી ગયો હતો જેનો પીછો કરી અજયસિંહ પણ મકાનમાં ઘુસતા ત્યાં મહીલા સહીત ચાર અન્ય વ્યક્તિ હાજર હતા જેમને પોલીસ તરીકેની ઓળખ આપી ભાગી આવેલા શખ્શને રામોલ પોલીસ સ્ટેશન લઈ જવાનું કહેતા પાંચેય ઉશ્કેરાઈને અજયસિંહ પર તુટી પડ્યા હતા અને ગડદાપાટુનો માર માર્યો હતો.
જેથી તેમણે ઘરમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરતા મહીલાએ ઘરનો દરવાજાે બંધ કરી દઈ પાંચેયે તેમને પકડી લીધા હતા અને આઈ કાર્ડ બતાવવાનું કહયું હતું એ દરમિયાન એક શખ્શે તેમનું પાકીટ છીનવી લીધું હતું જયારે બીજાએ તેમની ઉપર છરી વડે હુમલો કરતાં ઈજા થઈ હતી અને પાંચેયે તેમને ફરીથી ગડદાપાટુનો માર માર્યો હતો.
આ દરમિયાન બુમાબુમ થતાં પ્રદીપસિંહ અન્ય પોલીસ કર્મીઓ સાથે ત્યાં આવ્યા હતા અને દરવાજાે ખોલી અજયસિંહને બચાવ્યા હતા અને મહીલા સહીત પાંચેયને પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા જયાં ભાગીને આવેાલ શખ્શ વિશાલ ઉર્ફે પંડીત વિશ્રામભાઈ ગોસ્વામી (સોમનાથ સોસાયટી, વસ્ત્રાલ) ઉપરાંત મંજુબેન સતીષભાઈ વર્મા, સતીષ ભવાનીપ્રસાદ વર્મા, દિપક સતીષભાઈ વર્મા અને મોહીત સતીષભાઈ વર્મા (ચારેય રહે. નીજપાર્ક સોસાયટી, વસ્ત્રાલ) વિરુધ્ધ પોલીસ પર હુમલો, ફરજમાં રૂકાવટ, લુંટ સહીતના ગુના નોંધ્યા હતા.
રૂપિયાની બબાલમાં સગીરને પણ છરી મારી
કોન્સ્ટેબલ અજયસિંહ ઉમિયા મેડીકલ આગળ પહોંચ્યા ત્યારે તન્મય નામના યુવાનને વિશાલે છરી મારી હતી આ અંગે તેના ભાઈ જીગ્નેશ પટેલે (માધવ હોમ્સ, વસ્ત્રાલ) પણ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી કે તેના સોળ વર્ષીય ભાઈ તન્મયની સાથે વીરસિંહ ઉર્ફે લાલુ રાઠોડ અભ્યાસ કરતો હતો જેણે તન્મય પાસેથી ૧૮ હજાર રૂપિયા ઉછીના લીધા હતા પરંતુ પરત ન આપતા તેની સાથે ઝઘડો કર્યો હતો સોમવારે રાત્રે વીરના મિત્ર મોહીતે ફોન કરી તન્મયને બહાર બોલાવ્યો હતો જયાં વિશાલ તથા કોમલ પણ હાજર હતા. ચારેયે તન્મયને ગડદાપાટુનો માર મારી રૂપિયા ન આપવાની ધમકી આપી હતી. બાદમાં બેલ્ટ, ડંડા વડે જીગ્નેશ તથા જીનલ નામના મિત્રને પણ માર્યો હતો. દરમિયાન વિરસિંહે તન્મયને છરીનો ઘા મારતા તે ઘાયલ થયો હતો એ જ વખતે કોન્સ્ટેબલ અજયસિંહ આવી પહોંચ્યા હતા.